નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડ કપ માટે શ્રીલંકાએ પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી દીધી છે. શ્રીલંકાએ લસિથ મલિંગાએ કેપ્ટન પદેથી હટાવીને દિમુથ કરૂણારત્નેને કેપ્ટન બનાવવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ગુરુવારે 15 સભ્યોની ટીમની જાહેરાત કરવામાં આવી હતી. શ્રીલંકા ક્રિકેટે બુધવારે દિમુથને કેપ્ટન બનાવ્યો હતો.

ટીમમાં કુશાલ પરેરાને પણ તક આપવામાં આવી છે. પરેરા ઈજાને કારણે ટીમમાંથી બહાર હતો. પરેરા નિરોશન ડિકવેલાનું સ્થાન લેશે. જે છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે. પૂર્વ કેપ્ટન દિનેશ ચંડીમલને પણ વર્લ્ડ કપમાં સ્થાન મળ્યું નથી. ટીમમાં એન્જલો મેથ્યુસની વાપસી થઈ છે



ટીમમાં લસિથ મલિંગાને તક આપવામાં આવી છે, જે પોતાનો ચોથો વર્લ્ડ કપ રમશે. તેને સુરંગ લકમલ અને નુવાન પ્રદીપનો સાથ મળશે. પસંદગીકારોએ જીવન મેન્ડિસને પણ તક આપી છે. જે 2007 પછી કોઈ વન-ડે રમ્યો નથી. શ્રીલંકાની ટીમ 1 જૂનથી ન્યૂઝીલેન્ડ સામે વર્લ્ડ કપ અભિયાનનો પ્રારંભ કરશે.

શ્રીલંકાની ટીમ છેલ્લા ઘણા સમયથી ખરાબ ફોર્મમાં છે. 2015ના વર્લ્ડ કપ પછી તે કુલ 84 વન-ડે રમ્યું છે જેમાં ફક્ત 23માં જ જીત મળી છે. શ્રીલંકા વર્લ્ડ કપ પહેલા સ્કોટલેન્ડ સામે બે વન-ડે મેચની શ્રેણી રમશે.

વર્લ્ડ કપ માટે શ્રીલંકાની ટીમઃ દિમુથ કરુણારત્ને (કેપ્ટન), એન્જલો મેથ્યુસ, કુશાલ પરેરા, લહિરુ થિરીમાને, અવિશ્વકા ફરનંનદો, કુશાલ મેન્ડિસ, ધનંજયા ડી સિલ્વા, જેફરે વાડરસે, થિસારા પરેરા, ઇસુર ઉડાના, સુરંગ લકમલ, નુવાન પ્રદીપ, જીવન મેન્ડિસ, મિલિંદ શ્રીરીવર્દના, લસિથ મલિંગા