નવી દિલ્હીઃ બેડમિંટન સ્ટાર સાઇના નેહવાલ આજે બપોરે ભાજપમાં જોડાઈ જશે. દિલ્હી મુખ્યાલયમાં સાઇનાને પાર્ટીનું સભ્યપદ આપવામાં આવશે. ભાજપમાં જોડાયા બાદ સાઇના દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં પાર્ટી માટે પ્રચાર પણ કરશે. હરિયાણાના હિસારમાં જન્મેલ સાઇના હાલમાં વર્લ્ડ રેન્કિંગમાં 8માં નંબરની ખેલાડી છે.


સાઇના નેહવાલે ઘણી વખત આંતરરાષ્ટ્રીય સ્તર પર દેશનું નામ રોશન કર્યું છે. ફિલ્મી પરડે પણ સાઈના નેહવાલની બાયોપિક ટૂંકમાં જ રિલીઝ થશે. પરિણીતિ ચોપરા સાઇના નેહવાલની ભૂમિકા ભજવતી જોવા મળશે.

29 વર્ષની સાઇના નેહવાલ પહેલા રેસલર યોગેશ્વર દત્ત અને બબીતા ફોગાટ પણ બાજપમાં જોડાઈ ચૂક્યા છે.

હૈદ્રાબાદમાં રહેતા બેડમિંટન જગતમાં મોટું નામ કમાનારી સાઇના નેહાવલનો જન્મ હરિયાણાના હિસારમાં 19 માર્ચ 1990ના રોજ થયો હતો. તે વર્લ્ડ બેડમિંટન રેન્કિંગમાં 23 મે 2015ના રોજ વર્લ્ડ નંબર વન બની હતી. અહીં સુધી પહોંચનાર સાઈના પ્રતમ ભારતીય મહિલા બેડમિંટન ખેલાડી છે.

સાઇનાની પાસે 22 સુપર સીરીઝ અને ગ્રાન્ડ પ્રિક્સ ખિતાબ છે. ઉપરાંત તેણે 2012ના રોજ લંડન ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તે બેડમિંટનમાં મેડલ જીતનારી પ્રથમ મહિલા ખેલાડી બની હતી.