નવી દિલ્હીઃ મુંબઈમાં ક્રિકેટ એડવાઇઝરી કમિટીના સભ્યોએ 5 લોકોને સિલેક્ટર પદના ઈન્ટરવ્યૂ માટે બોલાવ્યા હતા. જેમાં વેંકટેશ પ્રસાદ, એલ શિવારામકૃષ્ણન, રાજેશ ચૌહાણ પણ હતા. પરંતુ સુનીલ જોશી અને હરવિંદર સિંહની પસંદગી કરવામાં આવી હતી.

સુનીલ જોશીએ ભારત માટે 15 ટેસ્ટ અને 69 વન ડે રમી છે. ટેસ્ટમાં તેના નામે 41 વિકેટ અને વન ડેમાં 69 વન ડે છે. જોશીની ગણના સ્પિન ઓલરાઉન્ડર તરીકે થતી હતી. તે હૈદરાબાદ અને જમ્મુ-કાશ્મીર ટીમનો કોચ રહી ચુક્યો છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેમનો શાનદાર રેકોર્ડ રહ્યો છે. 160 મેચમાં 5000થી વધારે રન બનાવવાની સાથે 615 વિકેટ પણ લીધી હતી. રણજીમાં શાનદાર પ્રદર્શન બાદ ભારત તરફથી ઈંગ્લેન્ડ સામે ડેબ્યૂ કરવાનો મોકો મળ્યો હતો પરંતુ આંગળીમાં ફ્રેક્ચર થવાના કારણે ટેસ્ટ ડેબ્યૂમાં એક પણ બોલ ફેંક્યો નહોતો.  વર્ષ 2015માં તેની ઓમાનના કોચ તરીકે પસંદગી થઈ હતી. આ ઉપરાંત તે બાંગ્લાદેશ અને કિંગ્સ ઇલેવન પંજાબ ટીમનો સ્પિન બોલિંગ કોચ પણ રહી ચુક્યો છે.



સુનીલ જોશીનું નામ વનડે ક્રિકેટમાં સારા સ્પિનરોમાં ભલે સામેલ ન હોય પરંતુ તેના નામે આજે પણ એક શાનદાર રેકોર્ડ છે. ભારત તરફથી વનડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ઓછા રનમાં પાંચ વિકેટ લેવાનો રેકોર્ડ સુનીલ જોશીના નામે છે, જે બે દાયકા બાદ પણ કોઈ તોડી શક્યું નથી.

26 સપ્ટેમબ્ર 1999ના રોજ નૈરોબીમાં દક્ષિણ આફ્રીકા વિરૂદ્ધ ચતુષ્કોણીય સીરિઝ (એલજી કપ)ના બીજા મેચમાં સુનીલ જોશીએ ઘાતક બોલિંગ કરીને ચર્ચામાં આવ્યા હતા. આ સીરિઝમાં અન્ય બે ટીમો કેન્ય ને ઝિમ્બાબ્વે હતી.

આ મેચમાં સુનીલ જોશીએ માત્ર 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. તેની 10 ઓવરની બોલિંગમાં 6 મેડન રહી હતી. જોશીની બોલિંગ 10-6-6-5 હતી. સુનીલ જોશી ઉપરાંત 2016માં ઝિમ્બાબ્વેના લ્યૂક જોંગવીએ શારહાજમાં અફઘાનિસ્તાન વિરૂદ્ધ 6 રન આપીને 5 વિકેટ લીધી હતી. આમ બન્નેના નામે સંયુક્ત રીતે આ રેકોર્ડ છે.