મુંબઈઃ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર ક્રિકેટર સુરેશ રૈના નવા વિવાદમાં ફસાયો છે. રૈના અને સિંગર ગુરુ રંધાવાની મુંબઇ પોલીસે અટકાયત કરી છે. તેમની સામે કૉવિડ-19 પ્રૉટોકૉલના ભંગ બદલ કેસ દાખલ કરવામા આવ્યો છે. હાલ જામીન પર બન્નેને છોડવામાં આવ્યા છે.


તેમની વિરૂદ્ધ મુંબઈમાં એફઆઈઆર નોંધાઈ છે. તે અને રંધાવા એ 34 લોકોમાં સામેલ હતા જેમણે એક ફાઈવસ્ટાર ક્લબમાં પોલીસની રેડ પાડીને અટકાયત કરી હતી. આ બધા પર કોરોનાના નિયમ તોડવાનો આરોપ છે. ડ્રેગન ફ્લાઇ ક્લબ મુંબઈના એરપોર્ટ પાસે આવેલ ફાઈવસ્ટાર હોટલ મેરિએટમાં છે. આ માયાનગરીમાં પોશ ક્લબમાં સામેલ છે. જાણકારી અનુસાર નાઇટ કર્ફ્યૂ બાદ પણ આ ક્લબમાં ખૂબ જ હાઈ પ્રોફાઈલ પાર્ટી ચાલી રહી હતી. તેમાં સુરેશ રૈનાની સાથે બોલિવૂડના ટોપ ચહેરા પણ સામેલ હતા.

રિપોર્ટ્સ અનુસાર ગુરુ રંધાવા, બાદશાહ, સુઝેન ખાન પાર્ટીમાં સામેલ હતા. મુંબઈ પોલીસે તમામ પર કલમ 188 અને મહામારી એક્ટ અંતર્ગત કેસ નોંધ્યો છે.

હવે આ મામલે સ્ટાર ક્રિકેટર સુરેશ રૈનાએ મોટો ખુલાસો કર્યો છે કે તે ક્લબમાં કેમ ગયો હતો. સુરેશ રૈનાએ કહ્યું કે, તે એક શૂટ માટે મુંબઇમાં હતો, અને તે મોડી રાત સુધી લંબાયુ હતુ, અને એક મિત્રએ તેને ડિનર માટે આમંત્રિત કર્યો હતો, આ ડિનર બાદ તે દિલ્હી જવાનો હતો. રૈનાએ કહ્યું કે, લૉકલ ટાઇમિંગ અને પ્રૉટોકૉલ અંગે તેને જાણકારી ન હતી. રૈનાએ કહ્યું મારાથી અજાણતામાં આ ઘટના ઘટી છે, તેનો મને પસ્તાવો છે. હવે હું આગામી સમયમાં કાયદાનુ ધ્યાન રાખીશ અને આવો ગુનો નહીં કરુ.