નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના વિસ્ફોટક વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત હંમેશા ચર્ચામાં રહેતો હોય છે. જ્યારથી પંત ભારતીય ક્રિકેટ ટીમમાં આવ્યો છે ત્યારથી તેના પ્રદર્શન પર સૌની નજર છે અને મેદાન પર તેની ભૂલોના કારણે સતત ફેન્સના નિશાન પર રહે છે. જોકે ભારતીય બેટ્સમેન સુરેશ રૈનાએ પંતની પ્રતિભા પર ભરોસો દર્શાવીને તેને ખતરનાક ક્રિકેટર ગણાવ્યો છે.

આઈપીએલમાં ધમાકેદાર બેટિંગ દ્વારા ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવનારા પંતને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ધારી સફળતા મળી નથી. જોકે પંતે ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટમાં સદી ફટકારી પરંતુ મોટાભાગના મોકા પર ખરાબ શોટના કારણે વિકેટ ગુમાવતો આવ્યો છે અને આ કારણે આલોચનાનો શિકાર થતો રહ્યો છે.

આ દરમિયાન પંતની જેમ ડાબા હાથે બેટિંગ કરનારા અને ટી-20 ક્રિકેટના આક્રમક બેટ્સમેન રૈનાએ કહ્યું કે, મને પંતની બેટિંગ જોવી ગમે છે. ભારતીય ટીમના સ્પિનર યુઝવેંદ્ર ચહલ સાથે ઈન્સ્ટાગ્રામ લાઇવ સેશન દરમિયાન રૈનાએ આ વાત કહી હતી.

રૈનાએ કહ્યું કે, "તે એક ટોપ ક્રિકેટર છે. જ્યારે તે સારી બેટિંગ કરે છે ત્યારે મને ખુશી થાય છે અને યુવરાજ તથા સેહવાગની યાદ અપાવે છે. તે બંને પણ બોલરો પર સવાર થઈને રમતા હતા. જ્યારે તે ફ્લિક શોટ રમે છે તો દ્રવિડની યાદ આવે છે."