નવી દિલ્હીઃ ભારતીય ટીમ હાલમાં વર્લ્ડ કપ 2019 પહેલા પોતાની અંતિમ વનડે સીરીઝ રમવામાં વ્યસ્ત છે. ભારતે ઓસ્ટ્રેલિયાને પાંચ મેચની સીરીઝમાં પ્રથમ બે મેચમાં હરાવ્યું છે. પ્રથમ વનડેમાં ધોનીએ 59 રન બનાવીને કેદાર જાધવ સાથે ભાગીદારી કરીને ભારતને શાનદાર જીત અપાવી હતી. વર્લ્ડ કપ 2019માં ધોની મુખ્ય વિકેટકીપર હશે પરંતુ એ ચર્ચા જોરો પર છે કે ધોનીએ આખરે ક્યા ક્રમ પર બેટિંગ કરવી જોઈએ.

ધોનીના બેટિંગ ક્રમ પર ચર્ચા છે ત્યારે ધોની સાથે મેદાન પર લાંબા સમય સુધી મેચ રમેલ સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ આ મામલે પોતાનો મત વ્યક્ત કર્યો છે. રૈના અનુસાર ધોનીએ નંબર 5 અથવા નંબર 6 પર બેટિંગ કરવી જોઈએ.



રૈનાએ કહ્યું કે, એમએસ માટે સૌથી યોગ્ય બેટિંગ ક્રમ પાંચ અથવા છ નંબર પર રહેશે. જ્યારે રૈનાએ કોહલીના બેટિંગ ક્રમ પર ચાલી રહેલ ચર્ચા પર પણ નિવેદન આપ્યું છે. કોહલી વિશે તેમણે કહ્યું કે, મારું માનવું છે કે તેના માટે ત્રણ અથવા ચાર નંબર યોગ્ય ક્રમ છે. જો ટોચના બેટિંગ ઓર્ડર લડખડવા લાગે તો એવા સમયે ટીમને કોહલી જેવા ખેલાડીની જરૂર હોય છે જે ઇનિંગ સંભાળવાનું કામ કરી શકે.