નવી દિલ્હીઃ ચેક રિપબ્લિકમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. અહીંયા એક આદમીને તેના પાલતુ સિંહે જ ફાડી ખાધો હતો. રિપોર્ટ મુજબ 33 વર્ષીય માઇકલે તેના ગામમાં આવેલા ઘરની પાછળ એક વાડામાં સિંહને રાખ્યો હતો. આ જગ્યાએથી તેની લાશ મળી હતી.
પોલીસના કહેવા મુજબ, વાડામાંથી માઇકલની લાશ નીકાળવા માટે બે સિંહોને બેભાન કરવામાં આવ્યા હતા. માઇકલે તેના ઘરની પાછળના વાડામાં સિંહ અને સિંહણ પાળી હતી. તે 2016માં સિંહને લઈ આવ્યો હતો. ગત વર્ષે તે એક સિંહણને પણ અહીં લઇને આવ્યો હતો. જ્યારે તે સિંહને લાવ્યો ત્યારે આસપાસના લોકોએ વિરોધ કર્યો હતો પરંતુ માઇકલે કોઇની વાત કાને ધરી નહોતી.
તંત્ર દ્વારા પણ માઇકલને આવા ખતરનાક જંગલી જાનવર ન રાખવા જણાવાયું હતું અને પિંજરુ બનાવવાની પણ મંજૂરી નહોતી આપવામાં આવી. બાદમાં તંત્ર દ્વારા તેના પર અવૈદ્ય પ્રજનન માટે દંડ પણ લગાવાયો હતો. માઇકલ ગત વર્ષે ઉનાળામાં સિંહણને લઇ વોક પર લઈ ગયો હતો ત્યારે પણ ચર્ચામાં આવ્યો હતો.