નવી દિલ્હીઃ મધ્ય પ્રદેશમાં ભાજપે જ્યોતિરાદિત્ય સિંધિયાને પોતાની સાથે કરી લેતા કોંગ્રેસમાં ભૂકંપ આવી ગયો છે. સિંદિયા ગ્રુપના 20 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા બાદ મંગળવારે બપોરે કોંગ્રેસને બે અન્ય ધારાસભ્યોએ પણ રાજીનામા આપી દીધા છે. કોંગ્રેસના આ 22 ધારાસભ્યોના રાજીનામા સ્વીકારાઈ જતા જ વિધાનસભામાં કુલ 206 ધારાસભ્યો રહેશે અને બહુમત માટે માત્ર 104 ધારાસભ્યોનાં સમર્થનની જરૂર પડશે.

મધ્ય પ્રદેશમાં 230 વિધાનસભા સીટ છે. રાજ્યના 2 ધારાસભ્યોના નિધન થયા બાદ આ બન્ને સીટ ખાલી હોઈ હાલમાં કુલ 228 સીટ છે. કોંગ્રેસના 114 ધારાસભ્ય હતા. આ કારણે સરકાર બનાવવા માટેના જાદુઈ આંકડો 115 રહ્યો. કોંગ્રેસે, 4 અપક્ષ, 2 બીએસપી અને એક એસપી ધારાસભ્યનું સમર્થન મળ્યું છે. આ રીતે કોંગ્રેસને કુલ 121 ધારાસભ્યોના સમર્થનથી સરકાર બનાવી જ્યારે ભાજપની પાસે 107 ધારાસભ્યો છે.



સિંધિયાના રાજીનામા પછી કોંગ્રેસના 22 ધારાસભ્યો રાજીનામા આપી ચૂક્યા છે. જેમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતા બિસાહુ લાલ પણ સામેલ છે. જો રાજીનામા આપનાર 22 ધારાસભ્યોની સંખ્યાને વિધાનસભાની કુલ સીટોમાંથી ઘટાડી દેવામાં આવે તો આ ઘટીને 206 રહી જશે. આવા સમયે બહુમત માટે 104 સીટોની જરુર રહેશે.

જો કોંગ્રેસમાંથી રાજીનામું આપનાર 20 ધારાસભ્યોની સંખ્યા ઘટાડી દેવામાં આવે તો પાર્ટી પાસે કુલ 94 ધારાસભ્ય જ રહી જશે. સાત અન્યને જોડવામાં આવે તો કુલ ધારાસભ્યોની સંખ્યા 101 થઈ જશે. ભાજપાની વાત કરવામાં આવે તો તેની પાસે પોતાના 107 ધારાસભ્ય છે. સંખ્યાઓનું ગણિત જોવામાં આવે તો કોંગ્રેસની સામે ભાજપ વધારે મજબૂત છે.

આ સાથે એ જોવું પણ રસપ્રદ રહેશે કે આખરે અપક્ષ, સપા અને બસપાના કુલ 7 ધારાસભ્યો શું નિર્ણય કરશે. હાલ કોંગ્રેસના દરેક નેતાના જીભે એ વાત છે કે સરકાર સ્થિર છે.