નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા કમરના નીચેના ભાગમાં સર્જરીને કારણે આરામ ફરમાવી રહ્યો છે. તાજેતરમાં સર્જરી પછી તેની એક તસવીર પણ સામે આવી હતી, જેમાં તે મોંઘી ઘડિયાળ પહેરીને નજરે પડ્યો હતો. ભારતીય ક્રિકેટ ટીમનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સમયાંતરે અનેક વિવાદોમાં ફસાતો રહ્યો છે. થોડા સમય પહેલા તે કોફી વિથ કરણથી વિવાદમાં આવ્યો હતો, જ્યારે હવે તે 2011 વર્લ્ડ કપ વિજેતા ટીમનો હિસ્સો રહેલા ટીમ ઇન્ડિયાના પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાનને બર્થ ડે વિશ કરીને ચર્ચામાં આવ્યો છે.



ઝહીર ખાને 7 ઓક્ટોબરે તેનો 41મો જન્મ દિવસ ઉજવ્યો હતો. અનેક વર્તમાન અને પૂર્વ ક્રિકેટરોએ ઝાહીર ખાનને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી હતી. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ અલગ અંદાજમાં ઝાહીર ખાનને ટ્વિટ કરીને શુભેચ્છા પાઠવી હતી. જોકે, હાર્દિક પંડ્યાનો આ અનોખો અંદાજ ઝહીરના પ્રશંસકોને પસંદ પડ્યો ન હતો. ઝહીરના પ્રશંસકોએ હાર્દિક પંડ્યાને ખૂબ શિખામણો આપી હતી. હાર્દિક પંડ્યા લંડનમાં પોતાની સારવાર કરાવી રહ્યો છે. હાર્દિકે ત્યાંથી જ ઝાહીરને જન્મ દિવસની શુભેચ્છા પાઠવતા સોશિયલ મીડિયામાં એક વીડિયો જાહેર કર્યો હતો. આ વીડિયોમાં હાર્દિક પોતે છગ્ગો લગાવતો નજરે પડી રહ્યો છે.


હાર્દિક પંડ્યાએ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે, "ઝહીર, જન્મ દિવસની શુભેચ્છા. આશા છે કે તમે પણ એવું કરશો જેવું મેં આ વીડિયોમાં કર્યું છે." આ વીડિયો પછી ઝાહીરના પ્રશંસકોનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. પ્રશંસકોએ હાર્દિકને વિનમ્ર થવાની સલાહ આપી હતી. એક ચાહકે લખ્યું કે, "જે લોકો ક્રિકેટમાં વધારે રસ નથી ધરાવતા તેમને કહી દઉં કે 2011માં વર્લ્ડ કપ જીતાડવમાં ઝહીર ખાનનું મોટું યોગદાન હતું. ઝહીરે 21 વિકેટ ઝડપી હતી." અન્ય એક ચાહકે લખ્યું કે, "બોલર હોવા છતાં ઝહીરે પોતાની આંતરરાષ્ટ્રીય કિર્કેટ કારકિર્દીમાં 53 છગ્ગા ફટકાર્યાં છે. ઝહીરે બ્રેટ લી, શોએબ અખ્તર જેવા બેટ્સમેનોના બોલ પર પણ છગ્ગા ફટકાર્યા છે."

અન્ય એક પ્રશંસકે કહ્યુ કે, અહંકાર તેન લઈને ડૂબશે. નોંધનીય છે કે ટીમ ઇન્ડિયાના ધૂરંધર બોલર ઝાહીર ખાને પોતાની 14 વર્ષની કારકિર્દીમાં 92 ટેસ્ટ મેચમાં 311 વિકેટ ઝડપી છે. જ્યારે વન-ડેમાં 200 મેચ રમીને તેણે 282 વિકેટ ઝડપી છે.  ઉપરાંત 17 ટી20માં પણ 17 વિકેટ લીધી છે.