નવી દિલ્હીઃ ભારતે ત્રણ ટેસ્ટ સીરિઝની પ્રથમ ટેસ્ટમાં વિશખાપટ્ટનમ ખાતે દક્ષિણ આફ્રિકાને 203 રને હરાવ્યું હતું. આ સાથે ભારતે 1-0ની લીડ મેળવી લીધી છે. ચોથા દાવમાં 395 રનનો પીછો કરતાં દક્ષિણ આફ્રિકા 191 રનમાં ઓલઆઉટ થયું હતું. ભારત માટે મોહમ્મદ શમીએ 5, રવિન્દ્ર જાડેજાએ 4 વિકેટ, મોહમ્મદ શમીએ 3 વિકેટ અને રવિચંદ્રન અશ્વિને 1 વિકેટ લીધી હતી. સીરિઝની બીજી મેચ 10 ઓક્ટોબરના રોજ પુણેમાં રમાશે.


ભારતે મેચમાં શાનદાર જીત મેળવી હોવા છતાં ટીમ ઈન્ડિયાની એક નબળાઈ આ મેચમાં સામે આવી હતી. જો ભારત તેની આ નબળાઈ જલદીથી દૂર નહીં કરે તો આગામી મેચ અને અન્ય ટીમો સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં પરિણામ ભોગવવું પડશે. ટીમ ઈન્ડિયાએ મેચની ચોથી ઈનિંગમાં દક્ષિણ આફ્રિકાની 70 રનમાં 8 વિકેટ ઝડપી લીધી હતી અને મેચ ઝડપથી જીતી જશે તેમ લાગતું હતું, પરંતુ હરીફ ટીમના પૂંછડીયા બેટ્સમેનોએ છેલ્લી બે વિકેટ દ્વારા 121 રન ઉમેર્યા હતા અને ભારતની જીતની રાહ લંબાઈ હતી.

ટીમ ઈન્ડિયાના બોલર્સ વિરોધી ટીમના ઓપનર્સ અને મિડલ ઓર્ડરને સસ્તામાં આઉટ કરી દે છે પરંતુ લોઅર મિડલ ઓર્ડરના બેટ્સમેનો ભારતીય બોલર્સને મચક આપતા નથી. જેના કારણે ઘણીવાર ભારત વિરોધી ટીમ પર દબાણ બનાવી શકતું નથી. ભૂતકાળમાં ઈંગ્લેન્ડ, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ પ્રવાસમાં ભારતની આ નબળાઈ સામે આવી ચુકી છે.