નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી બાપ બનવાનો છે. તેણે સોશિયલ મીડિયા પર પત્ની અનુષ્કા શર્મા સાથે ફોટો શેર કરીને આ જાણકારી આપી છે.

વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, હવે અમે બેમાંથી ત્રણ થવાના છીએ. જાન્યુઆરી 2021માં ખુશખબર આવશે. વિરાટ કોહલીના ટ્વિટથી ફેન્સમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વિરાટની આ ખબર શેર કરવાની સાથે જ તેને ફેન્સની લાઈક્સ અને કમેન્ટ મળવાનું શરૂ થઈ ગયું છે. ફેન્સ તેને કમેન્ટમાં શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


વિરાટ કોહલી હાલ આઈપીએલ 2020 માટે દુબઈમાં છે. અનુષ્કા શર્મા ઘણા સમયથી ફિલ્મોથી દુર છે. વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ ડિસેમ્બર 2017માં લગ્ન કર્યા હતા. બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી બોલીવુડની પસંદગીની જોડીઓ માંથી એક છે. બંનેના ફોટો અથવા વીડિયો, સોશ્યલ મીડિયા પર છવાયેલા રહે છે.

ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા તાજેતરમાં જ બાપ બન્યો છે. હાર્દિક પંડ્યાએ બાપ બન્યાની ખુશખબર શેર કર્યા ત્યારે સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના મીમ્સ ફરતા થયા હતા.