નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામેની લડાઈમાં સમગ્ર દેશની એકજૂટતા દેખાડવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાત્રે નવ વાગ્યે નવ મીનિટ માટે દિવો કે મીણબત્તી પ્રગટાવવાની અપીલ કરી હતી. જેને લઈને સમગ્ર દેશવાસીઓએ દિવો અને મીણબત્તી પ્રગટાવી હતી. આ ઉપરાંત મોબાઈલની લાઈટ પણ ચાલુ રાખી હતી. જેમાં ક્રિકેટર્સ પણ સામેલ હતા. ભારતના સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યાએ પોતાની મંગેતર નતાશા સ્ટેનકોવિક સાથે મીણબત્તી પ્રગટાવી હતી. જેની તસવીરો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.

હાર્દિક પંડ્યા અને નતાશા સાથે હાર્દિકનો ભાઈ કૃણાલ પંડ્યા અને તેની પત્નીએ પણ મીણબત્તી પ્રગટાવી હતી. હાર્દિક પંડ્યાએ મીણબત્તી પ્રગટાવતો પોતાનો વીડિયો સોશિયલ મીડિયા પર મૂક્યો હતો. તેના ચાહકોએ તે વીડિયોને બહુ જ લાઈક કર્યો છે અને તે વાયરલ પણ થયો છે.

ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતાં હાર્દિકે લખ્યું હતું કે, સમગ્ર ભારત હાલમાં એક સાથે આવીને આપણા હેલ્થકેર સ્ટાફનો આભાર માની રહ્યું છે તે જોઈને ઘણું સારું લાગી રહ્યું છે. આ એક ઉમદા કામ છે અને તેનો આપણે બધાં ભાગ બન્યા છીએ.

વડોદરાના ઓલ-રાઉન્ડરે આગળ લખ્યું હતું હતું કે, આપણે એક સાથે મજબૂત છીએ અને આ કપરા સમયનો સામનો કરવા માટે વધારે દ્રઢ નિશ્ચયી થયા છીએ. હાર્દિકના આ વીડિયો પણ તેના પ્રશંસકોએ ઘણી કોમેન્ટ્સ કરી છે અને તેને લાઈક પણ કર્યો છે. હાર્દિકે સર્બિયન એક્ટ્રેસ નતાશા સ્ટેનકોવિક સાથે સગાઈ કરી છે.