નવી દિલ્હીઃ પૂર્વ નાણામંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું લાંબી બીમારી બાદ દિલ્હીની એઇમ્સમાં નિધન થયું હતું. તેમણે બપોરે 12 વાગ્યાને સાત મિનિટ પર અંતિમ શ્વાસ લીધા હતા. જેટલી નવ ઓગસ્ટથી એઇમ્સમાં દાખલ હતા. તેમને લાઇફ સપોર્ટ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા. જેટલીના નિધન પર ક્રિકેટ જગતમાં શોક વ્યાપી ગયો હતો.


નોંધનીય છે કે અરુણ જેટલી દિલ્હી જિલ્લા ક્રિકેટ સંઘના પૂર્વ અધ્યક્ષ અને બીસીસીઆઇના પૂર્વ ઉપાધ્યક્ષ હતા. જેટલીના નિધન પર શોક વ્યક્ત કરવા માટે આજે ભારતીય ક્રિકેટ ટીમ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ મેચમાં બ્લેક આર્મ બેન્ડ પહેરીને મેદાન પર ઉતરશે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે એન્ટિગામાં પ્રથમ ટેસ્ટ મેચ રમાઇ રહી છે.




જેટલીના નિધન પર બીસીસીઆઇએ પણ શોક વ્યક્ત કરતા ટ્વિટ કર્યું હતું કે, ભારતીય બોર્ડે ટ્વિટ કરતા કહ્યુ કે, બીસીસીઆઇ અરુણ જેટલીના નિધન પર શોક વ્યક્ત કરે છે. બીસીસીઆઇએ જેટલીના આત્માને પ્રાર્થના કરી હતી. અરુણ જેટલી 1999થી 2012 સુધી ડીડીસીએના અધ્યક્ષ રહ્યા અને આ દરમિયાન અનેક ક્રિકેટરોના કરિયરને બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.