નવી દિલ્હી: પૂર્વ કેન્દ્રીયમંત્રી અરૂણ જેટલીનું લાંબી બીમારી બાદ નિધન થયું છે. છેલ્લા ઘણાં દિવસોથી જેટલીની એઈમ્સમાં સારવાર ચાલી રહી હતી, જોકે આજે બપોરે તેમણે અંતિમ શ્વાસ લીધા હતાં. જેટલીના નિધન પર નેતાઓ સહિત ક્રિકેટરોએ પણ દુખ વ્યક્ત કર્યું છે. ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગ, ગૌતમ ગંભીર, અનિલ કુંબલે, વીવીએસ લક્ષ્મણે શોક વ્યક્ત કર્યો છે.


સેહવાગે ટ્વિટ કરી કહ્યું કે “અરૂણ જેટલીના નિધનના સમાચારથી દુખી છું. સાર્વજનિક જીવનમાં યોગદાન આપવા સિવાય દિલ્હી ક્રિકેટના અનેક ખેલાડીઓને જીવનમાં પણ મહત્વનું યોગદાન આપ્યું. જેના કારણે અનેક ખેલાડી ભારત માટે રમી શક્યા. એક સમય એવો હતો જ્યારે દિલ્હીના ઘણા ખેલાડીઓને ઉચ્ચ સ્તરે તક નહોતી મળી. પરંતુ ડીડીએસમાં તેમના નેતૃત્વમાં મારા સહિત અનેક દિલ્હીના ખેલાડીઓને ભારત માટે રમવાની તક મળી.”

પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે ટ્વીટ કરી જેટલીને પિતાતુલ્ય ગણાવ્યા છે. ગંભીરે કહ્યું, “પિતા તમને બોલતા શીખવાડે છે પરંતુ પિતાતુલ્ય વ્યક્તિ તમને વાત કરતા શીખવાડે છે. એક પિતા તમને ચાલતા શીખવાડે છે, જ્યારે એક પિતા જેવા તમને કૂચ કરતા શીખવાડે છે. પિતા તમને નામ આપે છે. પરંતુ એક પિતાતુલ્ય વ્યક્તિ તમને ઓળખ આપે છે. મે આજે પિતાતુલ્ય વ્યક્તિ અરુણ જેટલીને ગુમાવ્યા છે.”


ઉલ્લેખનીય છે કે અરુણ જેટલીનો ક્રિકેટ સાથે સંબંધ રહ્યો હતો. તેઓ લાંબા સમય સુધી દિલ્હી ક્રિકેટ સંઘના અધ્યક્ષ રહ્યાં હતા. જેટલી વર્ષ 1999 થી 2013 સુધી દિલ્હી અને ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોશિએશનના અધ્યક્ષ રહ્યાં હતા.