રાંચીઃ ભારતીય ટીમે દિવાળી પહેલા દેશના ક્રિકેટ ફેન્સને દિવાળી ગિફ્ટ આપી છે. ત્રીજી અને અંતિમ રાંચી ટેસ્ટ જીતીને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને સીરીઝમાં ક્લિન સ્વિપ કરી દીધુ છે. ત્રીજી ટેસ્ટના ચોથા દિવસે ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 202 રને માત આપીને ટેસ્ટમાં મોટી જીત મેળવી છે.

ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકન ટીમે 8 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. ચોથા દિવસે ટીમ ઇન્ડિયાને જીત માટે માત્ર બે વિકેટોની જરૂર હતી. ચોથા દિવસની રમત શરૂ થયાની માત્ર 10 મિનીટમાં જ ટીમ ઇન્ડિયાએ જીત મેળવી લીધી હતી, 10 મિનીટમાં ટીમ ઇન્ડિયાએ બે વિકેટ ઝડપીને સીરીઝમાં દક્ષિણ આફ્રિકાને ક્લિન સ્વિક કર્યુ હતુ.

ચોથા દિવસની રમતમાં નદીમે બન્ને વિકેટો ઝડપી, પહેલા ડી બ્ય્રૂએનને 30 રને સાહાના હાથમાં ઝીલાવી દીધો, અને બાદમાં લુન્ગી એનગીડીને 0માં પેવેલિયન મોકલ્યો હતો. ભારતે 133 રનમાં દક્ષિણ આફ્રિકન ટીમને બીજી ઇનિંગમાં ઓલઆઉટ કર્યુ હતુ અને 202 રને મોટી જીત મેળવી હતી.



ભારત અને આફ્રિકા વચ્ચેની ત્રીજી ટેસ્ટના ત્રીજા દિવસની રમત પૂર્ણ થઇ ત્યારે ભારતીય બૉલરો આફ્રિકન બેટ્સમેનો પર છવાયેલા રહ્યાં, દિવસની રમતના અંતે દક્ષિણ આફ્રિકા 8 વિકેટ ગુમાવીને 132 રન જ બનાવી શકી હતી. વળી, આફ્રિકાને ફોલોઓન આપ્યા બાદ ભારતીય ટીમને 335 રનની લીડ મળી હતી.

બીજી ઇનિંગમાં શમીએ સૌથી વધુ 3 વિકેટ, ઉમેશ યાદવે અને શહબાઝ નદીમે 2-2 વિકેટો ઝડપી હતી, વળી જાડેજા અને અશ્વિનને 1-1 વિકેટ મળી હતી.






ઉમેશ યાદવના એક ઘાતક બાઉન્સર ઓપનર ડીન એલ્ગરને વાગતા તેને રિટાયર્ડ હર્ટ થવુ પડ્યુ હતુ, બાદમાં એલ્ગરના સ્થાને થિઓનીસ ડી બ્યૂએન રમવા માટે મેદાનમાં આવ્યો હતો.