અમદાવાદ માટે અદાણી ગ્રૂપે, પુણે માટે આરપીજી-રાજીવ ગોયનકા ગ્રૂપ અને રાંચી અથવા જમશેદપુરમાંથી કોઇ એક શહર માટે ટાટા ગ્રૂપ રેસમાં હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે બીસીસીઆઇએ 8 વર્ષ પહેલા 2011માં ટીમોની સંખ્યા 10 કરી હતી, પરંતુ અનેક વિવાદ બાદ ત્રણ વર્ષ બાદ બે નવી ટીમને હટાવી દેવામાં આવી હતી.
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના રિપોર્ટ પ્રમાણે બે નવી ટીમને સામેલ કરવા માટે યોજના તૈયાર થઈ ગઈ છે અને હવે ટેન્ડર પ્રક્રિયા પર કામ કરવામાં આવી રહ્યું છે. આ અંગે વાતચીત માટે શનિવારે લંડનમાં વર્તમાન ટીમના માલિક અને અધિકારી મળ્યા હતા. તેમાં માનવામાં આવ્યું કે બે નવી ટીમ આવવાથી આઇપીએલને ફાયદો થશે. બીસીસીઆઇના સીઇઓ રાહુલ જોહરીએ પણ આ અંગે પુષ્ટી કરી છે પરંતુ તેઓએ મિટિંગ અંગે વધુ માહિતી આપી નથી.
અમદાવાદમાં મોટેરા સ્ટેડિયમ સંપૂર્ણ રીતે તૈયાર થવાના આરે છે. હવે તેમાં એક લાખ દર્શક બેસી સકે છે અને આ દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ હશે. એવામાં આઇપીએલ માટે આ શહેરની દાવેદારી મજબૂત છે. અદાણી ગ્રૂપે 2010માં પણ અમદાવાદની ફ્રેન્ચાઇસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નિષ્ફળ રહ્યા હતા.