લંડનઃ ક્રિકેટ ઈતિહાસના સૌથી જૂના અને પરંપરાગત હરિફો - ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આજથી એશિઝ ટેસ્ટ શ્રેણીનો પ્રારંભ થશે. તેની સાથે આઇસીસીની નવી ટેસ્ટ ચેમ્પિયનશીપ પણ શરૂ થઈ જશે. બર્મિંગહામના એજબેસ્ટોનમાં પ્રવાસી ઓસ્ટ્રેલિયા ટીમ પેઈનની કેપ્ટન્સી હેઠળ રમવા ઉતરશે, ત્યારે તેમની નજર ઈંગ્લેન્ડની ભૂમિ પર ૨૦૦૧ બાદ પહેલી વખત એશિઝ શ્રેણી જીતવા તરફ રહેશે. જ્યારે રૂટની આગેવાની હેઠળની ઈંગ્લિશ ટીમ વન ડેનો વર્લ્ડ કપ જીત્યા બાદ એશિઝમાં ઘરઆંગણાનો દબદબો જાળવી રાખવા માટે ઉતરશે. ભારતીય સમય પ્રમાણે આવતીકાલે બપોરે ૩.૩૦ વાગ્યાથી એશિઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટનો પ્રારંભ થશે.


એશિઝની સાથે સાથે આઇસીસીની ટેસ્ટ ચેમ્પીયનશીપનો પણ પ્રારંભ થશે. ટોચની ૯ ટીમો વચ્ચે બે વર્ષ દરમિયાન ૨૭ દ્વિપક્ષિય શ્રેણીઓ અંતર્ગત કુલ ૭૧ ટેસ્ટ મુકાબલા ખેલાશે. જેમાં શ્રેણીના પરીણામ અનુસાર ટીમોને પોઈન્ટ્સ આપવામાં આવશે અને તમામ દ્વિપક્ષિય શ્રેણીનો અંતે ટોચના બે સ્થાન ધરાવતી ટીમો વચ્ચે જુન-૨૦૨૧માં ફાઈનલ રમાશે, જેમાં વિજેતા ટીમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનનો તાજ એનાયત કરવામાં આવશે. જો ફાઈનલ ટેસ્ટ મેચ ટાઈ થાય કે ડ્રો થાય તો બંને ટીમોને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવશે.

છેલ્લા ૧૯ વર્ષમાં ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૧૦ એશિઝ રમાઈ છે, જેમાંથી બંને ટીમો ૫-૫ સિરીઝ જીતી ચૂકી છે. તેમાંય છેલ્લી ચાર એશિઝમાં તો યજમાન ટીમો જ વિજેતા બની છે. જેના કારણે ઈંગ્લેન્ડની ટીમ એશિઝ જીતવા માટેની પ્રબળ દાવેદાર મનાય છે.

બંને ટીમો આ પ્રમાણે છે.

ઓસ્ટ્રેલિયા : પેઈન (કેપ્ટન, વિ.કી.), બૅન ક્રોફ્ટ, વોર્નર, સ્મિથ, ખ્વાજા, કમિન્સ, હેરિસ, હેઝલવૂડ, હેડ, લાબુસ્ચાગ્ને, લાયન, મિચેલ માર્શ, માઈકલ નેસેર, જેમ્સ પેટ્ટીન્સન, સિડલ, સ્ટાર્ક, વેડ (વિ.કી.).

ઈંગ્લેન્ડ : રૃટ (કેપ્ટન), બર્ન્સ, રોય, બટલર (વિ.કી.), ડેન્લી, સ્ટોક્સ (વાઈસ કેપ્ટન), વોક્સ, મોઈન અલી, એન્ડરસન,બેરસ્ટો, બ્રોડ

RBI બહાર પાડશે 20 રૂપિયાની નવી નોટ, જાણો કેવો છે કલર અને શું છે ખાસિયત