નવી દિલ્હીઃ આઈપીએલને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં કોરોના વાયરસનો હાહાકાર છે ત્યારે દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, રાજધાની દિલ્હીમાં કોઈપણ પ્રકારના પબ્લિક કાર્યક્રમ નહીં થાય. આઈપીએલની એક પણ મેચ દિલ્હીમાં નહીં રમાય. આ નિર્ણય કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.


જોકે હજુ સુધી એ પણ સ્પષ્ટ નથી કે આઈપીએલ રમાશેકે નહીં, પરંતુ જો આઈપીએલ તેના નક્કી કાર્યક્રમ અનુસાર રમાય તો દિલ્હીમાં એક પણ મેચનું આયોજન નહીં થાય એટલું તો હાલમાં નક્કી છે. જણાવીએ કે આઈપીએલની ફ્રેન્ચાઈઝી દિલ્હી કેપિટલ પણ રમે છે અને દિલ્હી કેપિટલ માટે દિલ્હીનું ફિરોઝશાહ કોટલા એટલે કે અરૂણ જેટલી સ્ટેડિયમ હોમ ગ્રાઉન્ડ છે. દિલ્હીના નાયબ મુખ્યમંત્રીના નિર્ણય બાદ હવે ફરી એક વખત આઈપીએલના આયોજનને લઈને સવાલ ઉભા થયા છે.



મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં કોરોના વાયરસને કારણે આઈપીએલની એક પણ મેચ નહીં રમાય. તેમણે કહ્યું કે, આઈપીએલ ઉપરાંત પણ અન્ય કોઈપણ આયોજન દિલ્હીમાં નહીંથાય. ન તો સેમિનાર થશે ન તો કોન્ફરન્સ. સિસોદિયાએ કહ્યું કે, કોઈપણ મોટું આયોજન આ દરમિયાન દિલ્હીમાં નહીં થાય.

મનીષ સિસોદિયાએ એ પણ કહ્યું કે, આઈપીએલ જેવી ટૂર્નામેન્ટને કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રદ્દ કરી દેવી જોઈએ. સ્વાસ્થ્યથી મોટું કંઈ જ નથી, સરકાર તરત જ તેના પર કાર્યવાહી કરે. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ જે રીતે સમગ્ર દેશમાં ફેલાઈ રહ્યો છે તે ચિંતાની વાત છે પરંતુ દર્શકો વગર મેચમાં મજા નહીં આવે માટે આઈપીએલને રદ્દ કરી દેવું જોઈએ. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ કહ્યું કે, આગામી આદેશ સુધી દિલ્હીમં સ્પોર્ટ્સ એક્ટિવિટી, સેમિનાર, કોન્ફરન્સ બધું  બંધ કરી દેવામાં આવ્યું છે.