નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમે જબરદસ્ત એક વિકેટ બાકી રહેતા જીત મેળવી હતી, આ મેચમાં ઓસ્ટ્રેલિયા કેપ્ટન અને ટીમે કેટલીક ભૂલો કરી હતી. જેના કારણે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ફેન્સે ઓસ્ટ્રેલિયન કેપ્ટન ટિમ પેનને આડેહાથે લેતા તેને મગજ વગરનો કેપ્ટન ગણાવી દીધો છે.

DRS મામલે ટિમ પેને કરેલી એક ભૂલના કારણે લોકોની સાથે સાથે પૂર્વ ક્રિકેટરોએ પણ તેને ટ્રૉલ કરવાનું શરૂ કરી દીધુ હતુ. લોકોએ તેને એટલે સુધી કહી દીધુ કે તેનુ મગજ કામ નથી કરતુ.



વાત એમ છે કે, વેસ્ટ ઇન્ડિઝના એમ્પાયર જોએલ વિલ્સને અંતિમ ક્ષણોમાં સ્ટૉક્સ વિરુદ્ધ નાથન લાયનની એબીડબલ્યૂની અપીલ ફગાવી દીધી હતી. પણ રિપ્લેમાં સ્પષ્ટ દેખાઇ રહ્યુ હતુ કે સ્ટૉક્સ આઉટ હતો, જોકે, આ સમયે ઓસ્ટ્રેલિયાની પાસે કોઇ રિવ્યૂ ન હતુ.



કેમકે અગાઉ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ખોટો નિર્ણય લેતા 11 નંબરના બેટ્સમેન લિચ સામે ડીઆરએસનો ઉપયોગ કરી લીધો હતો. જે આઉટ ન હોવા છતાં ટિમ પેને આઉટની અપીલ કરી હતી. આ કારણે ડીઆરએસ મામલે ટિમ પેનને પૂર્વ ક્રિકેટરો અને લોકોએ મગજ વગરનો કહીને ટ્રૉલ કર્યો હતો.