Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે સાતમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી. તીરંદાજી, હોકી, બેડમિંટનમાં જીત મળી હતી. તીરંદાજ અતનુ દાસે પુરુષ વ્યક્તિગતમાં અંતિમ 8માં સ્થાન બનાવી લીધું છે. પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બોક્સર સતીષ કતુમારે 91 કિલો વર્ગના અંતિમ 8માં પહોંચી ગયો છે. પુરુષ હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટીનાને 3-1થી હરાવી છે. મહિલા બોક્સિંગમાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો અને મેરિકોમ હારતાં જ મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.
મેડલ ટેલીમાં ભારત કેટલામાં ક્રમે છે
જાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે 24 મેડલ જીતીને પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 14 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા 13 મેડલ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ મળી 37 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત એક બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 46માં ક્રમે છે.
મેરી કોમની હાર
ભારતની દિગ્ગજ બોક્સર મેરિકોમની કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વોલેશિયા સામે 2-3થી હાર થઈ હતી. જેની સાથે ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું. પહેલા રાઉન્ડમાં મેરિકોમની 1-4થી હાર થઈ હતી. જે બાદ બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ડિફેંસિવ લાગતી મેરિકોમે બીજા રાઉન્ડમાં જોરદાર આક્રમક રમત દાખવીને કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વાલેંશિયાને 3-2થી હાર આપી હતી. જોકે અંતિમ રાઉન્ડમાં તેની હાર થવાની સાથે જ ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે રેફરીએ મેચના અંતે વાલેંસિયાનો હાથ ઉપર ઉઠાવ્યો ત્યારે મેરિકોમની આંખમાં આંસુ હતા અને ચહેરા પર હાસ્ય હતી.
મેરીકોમ 2019 વિશ્વ ચેમ્પિયનશીપની ક્વાર્ટરફાઈનલમાં વાલેંસિયાને હરાવી ચુકી છે. કોલંબિયાની બોક્સરની મેરિકોમ પર આ પહેલી જીત છે. મેરીકોમની જેમ વાલેંસિયા પણ ઓલિમ્પિકમાં તેના દેશનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા બોક્સર છે.