Shikhar Dhawan Trending: ટી20 વર્લ્ડકપ (T20 World Cup)માં સળંગ બે હાર મળતાં ભારતીય ટીમની મુશ્કેલીઓ વધી ગઇ છે, પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ સામે ઓપનરોનુ કંગાળ ફોર્મ ટીમ ઇન્ડિયા માટે મુશ્કેલી પેદા કરી રહ્યું છે. પાકિસ્તાન સામે રાહુલ અને રોહિત શર્મા ઓપનિંગ આવ્યા હતા, અને ન્યૂઝીલેન્ડ સામે રાહુલ અને ઇશાન કિશાન ઓપનિંગમા આવ્યા હતા, પરંતુ ટીમને સારી શરૂઆત ના અપાવી શક્યા અને ટીમને હારનો સામનો કરવો પડ્યો. સળંગ હાર પર હાર મળતા હવે ક્રિકેટ ચાહકોને શિખર ધવનની યાદ આવી રહી છે. લોકો સોશ્યલ મીડિયા પર કહી રહ્યાં છે કે શિખર ધવનને બહાર રાખવો ટીમ ઇન્ડિયા અને વિરાટ કોહલીને નુકસાનીનો સોદો સાબિત થયો છે. 


પાકિસ્તાન બાદ ટીમ ઈન્ડિયાનો ટૉપ ઓર્ડર ન્યૂઝીલેન્ડ સામે નિષ્ફળ રહ્યો હતો. સુપર-12 મેચમાં ન્યૂઝીલેન્ડે ભારત સામે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 48 રનમાં 4 વિકેટ ગુમાવી હતી. ત્રીજી ઓવરમાં ઇશાન કિશન ટ્રેન્ટ બોલ્ટની બોલિંગમાં માત્ર 4 રને આઉટ થયો હતો. કિશનના આઉટ થયા બાદ એડમ મિલ્ને એ બીજા જ બોલ પર રોહિત શર્માનો આસાન કેચ છોડ્યો હતો. છઠ્ઠી ઓવરમાં ટિમ સાઉથીએ કેએલ રાહુલ (18)ને આઉટ કરતાં ટીમ ઈન્ડિયાને બીજો ફટકો આપ્યો. આમ ટીમ ઇન્ડિયાના બન્ને ઓપનરો સસ્તામાં આઉટ થઇ જતાં ભારતીય ટીમ મુશ્કેલીમાં મુકાઇ હતી. 




આઇસીસી ટૂર્નામેન્ટોમાં ધમાલ મચાવી ચૂક્યો છે શિખર ધવન 
ખાસ વાત છે કે, આઇસીસી ટૂર્નામેન્ટોમાં શિખર ધવન હંમેશા ટીમને સારી સ્થિતિમાં લઇ ગયો છે. 2013 આઇસીસી ચેમ્પિયન ટ્રૉફીમાં ટીમ ઇન્ડિયાને ચેમ્પિયન બનાવવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. તેને 2015 વર્લ્ડકપની સાથે સાથે ઇંગ્લેન્ડમાં આઇસીસી ચેમ્પિયનૉ ટ્રૉફી 2017 આવૃતિમાં પણ ધમાલ મચાવી હતી. તેને 2019 વર્લ્ડકપમાં પણ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સદી ફટકારી હતી. તેને 2013ની ચેમ્પિયન ટ્રૉફીમાં 363 રન અને 2017માં में 338 રન બનાવ્યા હતા. 


તે ઓસ્ટ્રેલિયામાં 2015 ક્રિકેટ વર્લ્ડકપમાં 412 રનોની સાથે ભારત માટે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી પણ હતો. તેને ટૂર્નામેન્ટમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ સર્વાધિક 137 રનની સાથે બે સદી ફટકારી હતી. કુલ મળીને તેને 20 ICC ટૂર્નામેન્ટ મેચોમાં 65.15 ની એવરેજથી 1,238 રન બનાવ્યા છે. ક્રિકેટ ફેન્સનુ કહેવુ છે કે વિરાટ અને ટીમ મેનેજમેન્ટે શિખર ધવને પડતો મુકીને સૌથી મોટી ભૂલ કરી છે, જેનુ પરિણામ ટીમ ભોગવી રહી છે.


સોશ્યલ મીડિયા પર આ ભૂંડી હારને લઇને ટીમ ઇન્ડિયાનુ જોરદાર ટ્રૉલિંગ થઇ રહ્યું છે. લોકો આ હારને પચાવી શકતા નથી. ક્રિકેટ ચાહકો હવે માંગ કરી રહ્યાં છે કે, ટીમમાંથી કેપ્ટન વિરાટ કોહલી, કેએલ રાહુલ અને રોહિત શર્માને કાઢી મૂકવાની માંગ કરી રહ્યાં છે. 


ન્યૂઝીલેન્ડની 8 વિકેટથી જીત
પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે ન્યૂઝીલેન્ડને 111 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેને વિરોધી ટીમે 14.3 ઓવરમાં બે વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો. ભારત તરફથી જસપ્રીત બુમરાહે બે વિકેટ ઝડપી હતી. તેના સિવાય કોઈ બોલર વિકેટ મેળવી શક્યો નહોતો.