એક સમયે પાણીપુરી વેચતો હતો આ ક્રિકેટર, હવે પાકિસ્તાન સામે વર્લ્ડ કપમાં ફટકારી સેન્ચુરી
એબીપી અસ્મિતા વેબ ટીમ | 05 Feb 2020 08:06 AM (IST)
યશસ્વીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. યશસ્વી માત્ર 11 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભિદોહી જિલ્લાથી મુંબઈ આવી ગયો હતો.
નવી દિલ્હીઃ આઈસીસી અંડર-19 ક્રિકેટ વર્લ્ડ કપની સેમિ ફાઇનલમાં પાકિસ્તાન સામે ભારતના બેટ્સમેન યશસ્વી જાયસ્વાલે શાનદાર સદી ફટકારી હતી. યશસ્વીએ 113 બોલમાં અણનમ 105 રન બનાવી ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. યશસ્વીની આ વર્લ્ડ કપમાં પ્રથમ સદી છે. આ સદી સાથે જ ટૂર્નામેન્ટમાં સૌથી વધારે રન કરનાર બેટ્સમેન બની ગયો છે. યશસ્વી આજે ભારતમાં ભરમાં સ્ટાર બની ગયો છે. જોકે તેણે અહીં પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. પેટનો ખાડો પુરવા માટે યશસ્વી એક સમયે પાણીપુરી પણ વેચતો હતો. તમને તેના સંઘર્ષ વિશે જણાવી રહ્યા છીએ. યશસ્વીનું જીવન સંઘર્ષોથી ભરેલું રહ્યું છે. બહુ ઓછા લોકો જાણે છે કે, મુશ્કેલ સમયમાં યશસ્વી પોતાનો ખર્ચો કાઢવા માટે મુંબઈના આઝાદ મેદાન પર પાણીપુરી વેચતો હતો. આ વિશે વાત કરતાં તેને જણાવ્યું કે, સવારે જે છોકરાઓ મારી સાથે ક્રિકેટ રમતા તે જ સાંજે મારી પાસે પાણી પુરી ખાવા આવતા હતા અને આવું કરવામાં મને બહું ખરાબ લાગતું હતું પણ જરૂરિયાને કારણે આ બધું કરવું પડ્યું. યશસ્વી માત્ર 11 વર્ષની ઉંમરે ઉત્તર પ્રદેશના ભિદોહી જિલ્લાથી મુંબઈ આવી ગયો હતો. તેની પાસે રહેવા માટે કોઈ જગ્યા પણ નહોતી. એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું કે, તે જ્યારે એક ટેન્ટમાં રહેતો હતો ત્યારે તેની પાસે વીજળી, પાણી અન, બાથરૂમ જેવી સુવિધાઓ નહોતી. હું માત્ર મુંબઈ માટે જ ક્રિકેટ રમવાનું વિચારીને આવ્યો હતો.