અમીરાત ક્રિકેટ બોર્ડે આઈપીએલના આયોજન માટે તેમને બીસીસીઆઈ તરફથી પત્ર મળવાની પુષ્ટી કરી છે. યૂએઈ ક્રિકટ બોર્ડે કહ્યું બીસીસીઆઈએ એક ઓફિશિયલ લેટર ઓફ ઈન્ટેન્ટ અમીરાત ક્રિકેટ બોર્ડને મોકલ્યો છે. બીસીસીઆઈએ ગત સપ્તાહે યૂએઈમાં ઈન્ડિય પ્રીમિયર લીગની 13મી સીઝનના આયોજનની જાહેરાત કરી હતી.

અમીરાત ક્રિકેટ બોર્ડના સેક્રેટરી જનરલ મુબશશિર ઉસ્માનીએ કહ્યું, બીસીસીઆઈ તરફથી ઓફિશિયલ લેટર ઓફ ઈન્ટેન્ટ અમને મળ્યો છે. આ ટૂર્નામેન્ટ શરૂ કરવા માટે હવે ભારત સરકાર પાસેથી મંજૂરી મળવાની આશા છે.

એક તરફ બીસીસીઆઈને ભારત સરકાર તરફથી મંજૂરી મળવાની બાકી છે, જ્યારે બીજી તરફ અમીરાતમાં આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને યૂએઈ ક્રિકેટ બોર્ડ પોતાની તૈયારીઓ શરૂ કરી દિધી છે. આ વખતે આઈપીએલનું આયોજન સપ્ટેમ્બર 19થી નવેમ્બર 8 સુધી થવાનું છે.

આ પહેલા 2014માં આઈપીએલનું આયોજન યૂએઈમાં કરવામાં આવ્યું હતું. કોરોના પરિસ્થિતિને લઈને યૂએઈ ક્રિકેટ બોર્ડ તરફથી કહેવામાં આવ્યું છે કે અરબ અમીરાતમાં કોવિડ19ને લઈને સ્થિતિ પહેલા કરતા સારી થઈ રહી છે અને રિકવરી રેટ પણ ખૂબ વધ્યો છે. એવામાં એક સફળ આઈપીએલના આયોજનની આશા કરી શકાય છે.