નવી દિલ્હી: અંડર 19 વર્લ્ડ કપ 2020ની બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ગુરુવારે બાંગ્લાદેશે ન્યૂઝિલેન્ડને 6 વિકેટે હરાવી પહેલીવાર ફાઈનલમાં પહોંચી છે. આ સાથે હવે ભારતનો વર્લ્ડકપનો ફાઈનલ મુકાબલો બાંગ્લાદેશ સાથે થશે. 9 ફેબ્રુઆરીના રોજ પોટ્ચેફ્સ્ટ્રમમાં અંડર 19 વર્લ્ડ કપની ફાઈનલ રમાશે.

પોટ્ચેફ્સ્ટ્રમમાં રમાયેલી બીજી સુપર લીગ સેમીફાઈનલમાં ન્યૂઝિલેન્ડની ટીમે ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 8 વિકેટ ગુમાવી 211 સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં બાંગ્લાદેશની ટીમે 44.1 ઓવરમાં 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કરતા 215 રન બનાવી જીત મેળવી હતી. બાંગ્લાદેશના મહમુદુલ હસન જોયે 100 રન બનાવ્યા હતા. 127 ઈનિંગનમાં 13 ચોગ્ગા ફટકાર્યા હતા અને તે પ્લેયર ઓફ ધ મેચ રહ્યો હતો.

આ પહેલા પ્રથમ સુપર લીગની સેમીફાઈનલમાં ભારતે પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાનને 10 વિકેટે હરાવીને ધૂળ ચડાટી હતી. આ સાથે જ ભારતે ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી. ભારતે સતત ત્રીજી વખત અને કુલ સાતમી વખત ટૂર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ચાર ટાઇટલ સાથે ટીમ ઇન્ડિયા અંડર-19 વર્લ્ડ કપની સૌથી સફળ ટીમ છે.



અત્યાર સુધી કુલ 13 વખત અંડર-19 વર્લ્ડ કપ (Under 19 Cricket World Cup)નું આયોજન થયું છે. સૌથી રહેલા અંડર-19 વર્લ્ડ કપ 32 વર્ષ પહેલા 1988માં રમાયો હતો. અત્યાર સુધી 13 વખત ટૂર્નામેન્ટ રમાઇ છે પણ ભારતે એકપણ વખત યજમાની કરી નથી. સામાન્ય રીતે માનવામાં આવે છે કે અંડર-19 વર્લ્ડ કપની યજમાની કરનાર ક્રિકેટ બોર્ડને આવકમાં નુકસાન ઉઠાવવું પડે છે. જોકે બીસીસીઆઈના પૂર્વ અધિકારીઓ આ વાતને લઈને ખુલાસો કર્યો હતો.

બીસીસીઆઈના પૂર્વ કોષાધ્યક્ષ અનિરુદ્ધ ચૌધરી અને બોર્ડના પૂર્વ સચિવ નિરંજન શાહને આ સવાલ પુછવામાં આવ્યો હતો. તેના જવાબમાં ચૌધરીએ કહ્યું હતું કે આવક કોઈ મુદ્દો નથી કારણ કે બીસીસીઆઈ ઘરેલું ક્રિકેટ પર કરોડો રુપિયા ખર્ચ કરે છે. આ સવાલ સીધો આઈસીસી સાથે જોડાયેલ છે. તે તેના ઉપર નિર્ભર છે કે તે કેવી રીતે અંડર-19 વર્લ્ડ કપનું આયોજન અને પ્રમોશન કરવા ઇચ્છે છે. આ બીસીસીઆઈ કરતા વધારે આઈસીસીનો મામલો છે. વર્લ્ડ કપના આયોજન પર આઈસીસી એક્ઝિક્યૂટિવ બોર્ડ નિર્ણય કરે છે.