ગંભીરને કોની સાથે અફડાતફડી થતાં કેપ્ટન્સી છોડવી પડી ? કોણે ગંભીરને કહ્યું કે, કેપ્ટન્સી છોડીને બેટિંગમાં ધ્યાન આપ ?
દિલ્હીની ટીમે જીતવા માટે માત્ર 144 રન કરવાના હતા પણ આટલા રન પણ તેની ટીમ આ નાનો સ્કોર પણ ચેઝ ના કરી શકી અને ચાર રને હારી ગઈ. આ પરિણામ પછી ઘૂંઆપૂંઆ થયેલા પોન્ટિંગને ગંભીર સાથે બોલાચાલી થઈ હતી. પોન્ટિંગે આ મામલો ટીમના માલિક નવિન જિંદાલ સામે ઉઠાવ્યો હતો.
દિલ્હી ડેરડેવિલ્સમાં જિંદાલની જેએસડબલ્યુ સ્પોર્ટ્સે તાજેતરમાં 50 ટકા હિસ્સો ખરીદ્યો છે. જિંદાલે પોન્ટિંગનો પક્ષ લીધો અને ગંભીરને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે, તે કેપ્ટન્સી છોડીને બેટ્સમેન તરીકેની પોતાની ભૂમિકા પર ધ્યાન આપે એવી ચર્ચા છે. નવીન જિંદાલની સૂચના પછી ગંભીર પાસે બીજો વિકલ્પ નહોતો બચ્યો.
નવી દિલ્હીઃ ભારતના આક્રમક ઓપનર અને કોલકાતાને બે વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવનારા ગૌતમ ગંભીરે દિલ્હી ડેર ડેવિલ્સના કેપ્ટન તરીકે માત્ર છ જ મેચ બાદ રાજીનામું આપી દેતાં ભારે આશ્ચર્ય ફેલાયું છે. ગંભીરે એમ કહીને કેપ્ટન્સી છોડી હતી કે, હું કેપ્ટન તરીકેનું દબાણ સહન કરી શકું તેમ નથી.
કોલકાતાના કેપ્ટન તરીકે જબરજસ્ત સફળતા મેળવ્યા બાદ ગંભીરે જ તેની હોમ ટીમ દિલ્હીમાં જોડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. આઈપીએલની ચાલુ સિઝનમાં તેણે દિલ્હીને સફળતા અપાવવાના મક્કમ ઈરાદા સાથે દિલ્હી ડેરડેવિલ્સની કમાન સંભાળી હતી પણ તેને સફળતા મળી નથી. દિલ્હી છમાંથી પાંચ હાર્યું છે.
બીજી તરફ ચાલુ સિઝનમાં ગંભીરનો પોતાનો દેખાવ કંગાળ રહ્યો હતો. પરીણામે ફ્રેન્ચાઈઝીના દબાણમાં ગંભીરને રાજીનામું આપવું પડયું હોવાની અટકળો ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. કોલકાતાને બે વખત ચેમ્પિયન બનાવનારા સફળ કેપ્ટને આ રીતે કેપ્ટન્સી છોડવી પડી એ દુઃખદ કહેવાય.
જો કે ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા પ્રમાણે ગૌતમ ગંભીરને દિલ્હીના કોચ રીકિ પોન્ટિંગ સાથે અફડાતફડી થતાં તેણે કેપ્ટન્સી છોડી દીધી છે. કિંગ્સ ઈલેવન પંજાબ સામેની મેચમાં ગંભીર 10 બોલ રમીને માત્ર બે રન કરી શક્યો હતો અને એકદમ ખરાબ બોલમાં સરળ કેચ આપીને આઉટ થયો હતો.