Novak Djokovic, US Open 2022: વિશ્વના નંબર-1 ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચનો કોવિડ-19 રસીનો વિરોધ ફરી એકવાર તેને ભારે પડી શકે છે. હજુ સુધી રસી લીધી ન હોવાના કારણે તે યુએસ ઓપનમાં ભાગ લઇ શકશે નહીં. આ અગાઉ જોકોવિચે આ કારણોસર આ વર્ષની શરૂઆતમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ભાગ લઈ શક્યો ન હતો.
વાસ્તવમાં બહારના લોકો માટે અમેરિકામાં પ્રવેશ માટે કોવિડ-19 રસી લેવી ફરજિયાત છે. જ્યારે જોકોવિચ રસીકરણની આ અનિવાર્યતાની વિરુદ્ધ છે. તે તેને વ્યક્તિગત સ્વતંત્રતા ગણાવે છે. તેના મતે રસી લેવી કે નહીં તેનો નિર્ણય વ્યક્તિનો પોતાનો હોવો જોઈએ. આ નિર્ણય માટે સરકારોએ દબાણ કરવુ જોઇએ નહીં. આ નિર્ણય પર અડગ રહીને જોકોવિચે હજુ સુધી રસી લીધી નથી.
યુએસ ઓપનએ તેની વિમેન્સ અને મેન્સ સિંગલ ઈવેન્ટ્સ માટે ખેલાડીઓની યાદી બહાર પાડી છે. તેમાં સર્બિયાના નોવાક જોકોવિચનું નામ પણ સામેલ છે. પરંતુ સાથે જ યુએસ ઓપન દ્વારા જાહેર કરવામાં આવેલું નિવેદન જોકોવિચ માટે ચિંતાજનક છે. યુએસ ઓપનના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'યુએસ ઓપનમાં રસીકરણ અંગે કોઈ અભિપ્રાય નથી. પરંતુ તે બહારના લોકોના પ્રવેશ અંગે યુએસ સરકારની રસીકરણ નીતિનો આદર કરે છે.
35 વર્ષીય જોકોવિચે તાજેતરમાં જ વિમ્બલ્ડન ટ્રોફી જીતીને તેની કુલ ગ્રાન્ડ સ્લેમની સંખ્યા 21 કરી છે. તે સ્પેનના રાફેલ નડાલથી માત્ર એક ગ્રાન્ડ સ્લેમ પાછળ છે. જો તે યુએસ ઓપન ચૂકી જશે તો તે નડાલ સાથે આ રેસમાં વધુ પાછળ રહી શકે છે.