નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર અવારનવાર દિલચસ્પ નજારા જોવા મળે છે, પરંતુ ક્રિકેટના મેદાન પરથી એક એક એવો નજારો સામે આવ્યો છે, જેનાથી ખુદ ખેલાડીઓ પણ ચોંકી ગયા છે. ઇંગ્લેન્ડમાં રમાઇ રહેલી કાઉન્ટી ક્રિકેટ (County Cricket) દરમિયાન એક હેલિકૉપ્ટર મેદાન પર ઉતરી આવ્યુ, આ દ્રશ્ય જોઇને દરેક વ્યક્તિ આશ્ચર્ય ચકિત થઇ ગયા હતા. 


ડરહમ (Durham Cricket) અને ગ્લસ્ટરશાયર (Gloucestershire Cricket)ની વચ્ચે ડિવિઝન 2માં ચાલી રહેલી મેચ દરમિયાન એક હેલિકૉપ્ટર મેદાન પર આવીને લેન્ડ કરે છે. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે. ગ્લૉસ્ટરશાયર ક્રિકેટે આની તસવીર પણ સોશ્યલ મીડિયા પર શેર કરી છે. ફેન્સ આ ઘટનાને લઇને રિએક્ટ કરી રહ્યાં છે.  




મંગળવારે ઈંગ્લેન્ડના બ્રિસ્ટલ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ગ્લૂસ્ટરશાયર અને ડરહામ વચ્ચે ચાલી રહેલી ચાલુ મેચમાં હેલિકોપ્ટર (એર એમ્બ્યુલન્સ)ને ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યું હતું. આ કારણે મેચ લગભગ 1 કલાક માટે અટકાવવી પડી હતી. આ ઘટના મેચની શરૂઆતની છે . ગ્લૂસ્ટરશાયરની ટીમ ફિલ્ડિંગ કરી રહી હતી અને પ્રથમ ઓવરના પાંચ બોલ ફેંકાયા હતા ત્યારે જ એર એમ્બ્યુલન્સ ગ્રાઉન્ડમાં આવી ગયુ હતુ. આ વાતની જાણ મેચ અધિકારીઓને કરવામાં આવી હતી. તેથી જ્યારે હેલિકોપ્ટર નીચે આવ્યું ત્યારે બધા ખેલાડીઓ મેદાન છોડીને ભાગવા લાગ્યા હતા. 


ખાસ વાત છે કે, હેલિકૉપ્ટર સર્વિસ કંપની ગ્રેટ વેસ્ટર્ન એર એમ્બ્યુલન્સનુ હતુ, અને તેમને જણાવ્યું કે હેલિકોપ્ટર દર્દીની સારવાર બાદ બેઝ પર પરત ફરી રહ્યું હતું. ત્યાર બાદ બ્રિસ્ટલ ગ્રાઉન્ડ નજીક એક દર્દીની હાલત ગંભીર હોવાની માહિતી મળી હતી. આસપાસમાં જગ્યા ખાલી ન હોવાથી હેલિકોપ્ટર ગ્રાઉન્ડ પર ઉતારવામાં આવ્યું હતું. મેચનું લાઇવ પ્રસારણ કરી રહેલા BBCના કોમેન્ટેટર માર્ટિન એમર્સને આ ઘટનાનો વીડિયો બનાવ્યો હતો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો.