નવી દિલ્હી: કેરળના બેટ્સમેન સંજુ સેમસને વિજય હજારે ટ્રોફીમાં શાનદાર ઇનિંગ રમી હતી. અલુર ક્રિકેટ સ્ટેડીયમમાં કેરળ અને ગોવા વચ્ચે રમાઈ રહેલી મેચમાં કેરળે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કેરળ તરફથી આ મેચમાં સંજુ સેમસને અણનમ 212 રનની ઇનિંગ રમી હતી. સંજુ સેમસનની આ શાનદાર ઇનિંગ વિજય હજારે ટ્રોફીમાં કોઈ બેટ્સમેન તરફથી રમવામાં આવેલી સર્વાધિક રનની ઇનિંગ છે.


સંજુ સેમસને પોતાની બેવડી સદી માત્ર 125 બોલમાં પૂરી કરી હતી. તેણે 129 બોલમાં 212 રન બનાવ્યા હતા. જેમાં 21 ચોગ્ગા અને 10 સિક્સર સામેલ છે. સંજુ સેમસનની આ શાનદાર ઇનિંગના આધારે કેરળે નિર્ધારિત 50 ઓવરમાં ૩ વિકેટે 377 રન બનાવ્યા હતા. અગાઉ કોઈ પણ ભારતીય ખેલાડીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં આટલી ઝડપી બેવડી સદી ફટકારી નથી.

આ અગાઉ વિજય હજારે ટ્રોફીમાં કેવી કૌશલે 202 રનની ઇનિંગ રમી હતી જે રેકોર્ડ હતો. સંજુ સેમસન પહેલા ભારત તરફથી સચિન તેંડુલકર, વીરેન્દ્ર સહેવાગ, રોહિત શર્મા, શિખર ધવન અને કર્ણ કૌશલ બેવડી સદી ફટકારી ચુક્યા છે.