નવી દિલ્હીઃ ભારતના ભાગેડુ વેપારી અને કેરેબિયન પ્રીમિયર લીગ (CPL)ની ટીમ બારબાડોસ ટ્રાઈડેન્ટ્સના માલિક વિજય માલ્યા આગામી સત્ર પહેલા ટીમ પરથી પોતાનો માલિકી હક ગુમાવી દેશે. લીગના મુખ્ય કાર્યકારી અધિકારી ડેમિયન ઓ ડોનોહોએ આ વાતની પુષ્ટિ કરતાં કહ્યું કે, તે અન્ય ખરીદદારોના સંપર્કમાં છે અને લંડનમાં 22 મેના રોજ પ્લેયર ડ્રાફ્ટ પહેલા નવા માલિકની જાહેરાત થઈ જશે.




માલ્યાએ બારબાડોસ ટ્રીડેંટ્સની ટીમને 2016માં ખરીદી હતી. આ ટીમનાં ખેલાડીઓને ગત સીઝનની ફીસ અને કૉન્ટ્રાક્ટની રકમ હજુ સુધી આપી નથી. ગત સીઝન સપ્ટેમ્બર 2018માં પૂર્ણ થઈ હતી. માલ્યા અત્યારે બેંક સાથે છેતરપિંડી કર્યા બાદ બ્રિટનમાં છે. માલ્યા પાસે ઇન્ડિયન પ્રીમિયર લીગની ટીમ રૉયલ ચેલેન્જર્સ બેંગલોરના માલિકી હક પણ હતા.

કેરેબિયન લીગનાં સીઈઓ ડોનોહોએ ગુયાન ક્રોનિકલથી વાતચીતમાં કહ્યું કે, “આ મારા માટે સૌથી મોટો માથાનો દુ:ખાવો છે. પરંતુ બારબાડોસ સંબંધિત આ મુદ્દો આવતા બે-ત્રણ અઠવાડિયામાં ઉકેલાઈ જશે. અમે આના માલિકીનાં હકમાં બદલાવ કરીશું. આશા છે કે આવતા બે અઠવાડિયામાં અમે આવું કરી શકીશું.”