નવી દિલ્હીઃ કોરોના વાયરસની મહામારીને લઈ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. ભારતમાં 21 દિવસનું Lockdown ચાલી રહ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલ બાદ ક્રિકેટ સ્ટાર્સ સહિત બોલિવૂડ સેલિબ્રિટી ઉદાર હાથે દાન આપી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની અનુષ્કા શર્માએ પણ પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં દાન આપ્યું છે. પરંતુ તેમણે કેટલી રકમ દાન કરી તે જણાવ્યું નથી.


વિરાટ કોહલીએ ટ્વિટ કરીને લખ્યું, હું અને અનુષ્કા પ્રધાનમંત્રી રિલીફ ફંડમાં અમારું યોગદાન આપી રહ્યા છીએ. કોરોના વાયરસથી પ્રભાવિત લોકોને જોઈને અમારું દિલ તૂટી ગયું છે. આ યોગદાન પાછળ અમારો માત્ર એક જ લક્ષ્ય ભારતના નાગરિકોને મદદ કરવાનો છે. આ યોગદાનથી કોરોના વાયરસ સામેની લડાઈમાં ગરીબ નાગરિકોની મદદ કરીને તેમના દર્દને થોડા અંશે ઓછું કરવાની એક કોશિશ છે.

વિરાટ કોહલી પહેલા સચિન તેંડુલકર, સૌરવ ગાંગુલી, સુરેશ રૈના, લક્ષ્મી રતન શુક્લા, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન કોરોના પીડિતો માટે ફંડ આપી ચુક્યા છે. જ્યારે એક્ટર અક્ષય કુમાર, કપિલ શર્મા જેવા સ્ટાર્સ પણ મદદ કરી ચુક્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે ભારતમાં અત્યાર સુધી કોરોના વાયરસ સંક્રમણના કુલ 1170 મામલા સામે આવ્યા છે, જેમાંથી 29 લોકોના મોત થયા છે અને 102 દર્દી સાજા થયા છે. કોરોના વાયરસના સૌથી વધારે કેસ મહારાષ્ટ્રમાં સામે આવ્યા છે.