પુણે: ભારત અને દક્ષિણ આફ્રિકાની વચ્ચે ત્રણ મેચોની ટેસ્ટ સીરીઝની બીજી ટેસ્ટ મેચ પુણેના એમસીએ સ્ટેડિયમમાં રમાઇ રહી છે, આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરતા બેવડી સદી ફટકારતા અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. કોહલીએ તાબડતોડ બેટિંગ કરતાં ડબલ સેન્ચૂરી (254 રન) બનાવી નોટ આઉટ રહ્યો હતો. આ ઇનિંગ દરમિયાન કોહલીએ 33 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા હતા. સાથે કોહલીએ સાત હજાર રન પણ પૂરા કરી લીધાં છે. કેપ્ટન વિરાટ કોહલીએ ટેસ્ટ કેરિયરમાં સાતમી વાર ડબલ સેન્ચૂરી ફટકારી દીધી છે. ખાસ વાત છે કે, સાતેય ડબલ સેન્ચૂરી કોહલીએ કેપ્ટન તરીકે જ બનાવ્યા છે. કોહલી કેપ્ટન તરીકે સૌથી વધુ ડબલ સેન્ચૂરી બનાવનારો પહેલો ખેલાડી અને ટૉપ પર છે. આ લિસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બ્રાયન લારા 5 ડબલ સેન્ચૂરી સાથે બીજા નંબર પર છે. આ પહેલા કોહલીએ 150 રન બનાવતા ડૉન બ્રેડમેનનો રેકોર્ડ તોડી દીધો હતો. કોહલીએ કેપ્ટન તરીકે સૌથી વધુ વખત 150 રન બનાવવાનો રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો છે. આ સિવાય કોહલીની કેપ્ટન તરીકે આ 50મી ટેસ્ટ મેચ હતી. કોહલીએ ટીમ ઈન્ડિયા માટે અત્યાર સુધી 81 ટેસ્ટ રમી છે. જેમાં 53.94 એવરેજથી સાત હજાર બનાવ્યા છે. આ દરમિયન તેણે 26 સદી, 7 બેવડી સદી અને 22 અડધી સદી નોંધાવી છે.