નવી દિલ્હીઃ ભારત વિરૂદ્ધ સતત ઝેર ઓકનારા પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે અચાનક જ ભારતના સંરક્ષણમંત્રી રાજનાથ સિંહની રાફેલ સસ્ત્ર પુજાનો બચાવ કર્યો હતો. ફ્રાંસ પાસેથી મળેલા પહેલા રાફેલ યુદ્ધ વિમાનની રાજનાથ સિંહે શસ્ત્રપુજા કરી હતી જે મુદ્દો સોશિયલ મીડિયામાં ખુબ ચર્ચાનો વિષય બન્યો હતો. હવે ખુદ પાકિસ્તાન આર્મીના પ્રવક્તા આસિફ ગફૂરે કહ્યું છે કે, રાફેલની પૂજા કરવી એમાં કંઈ જ ખોટું નથી કારણ કે તે ધર્મને અનુરૂપ છે.



પાકિસ્તાની સેનાના પ્રવક્તા આસિફ ગફૂરે રાજનાથ સિંહના બચાવ કરતાં કહ્યુ કે, ધાર્મિક રીતિ-રિવાજો મુજબ, રાફેલની પૂજા કરવામાં આવી અને તેનું સન્માન કરવું જોઈએ. આ દરમિયાન તેઓએ કહ્યુ કે, આપણે ધ્યાન રાખવું જોઈએ કે રાફેલ જેટ માત્ર એક મશીન નથી. દરેક ફાઇટર પ્લેન ઉડાવનાર પાયલટના સામર્થ્ય, જોશ અને સંકલ્પથી જોડાયેલું મશીન હોય છે. આ દરમિયાન પાકિસ્તાની વાયુસેનામાં સામેલ ફાઇટર પ્લેનના વખાણ કરતાં આસિફ ગફૂરે કહ્યુ કે, અમને શાહીન પ્લેનો પર ગર્વ છે.



આસિફ ગફૂરનું રાજનાથ સિંહના બચાવમાં આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બંને પડોસી દેશોની વચ્ચે તણાવ પોતાના ચરમ પર છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારએ જમ્મુ-કાશ્મીરથી આર્ટિકલ 370 હટાવતાં પાકિસ્તાનને પસંદ ન આવ્યું. ત્યારબાદ પાકિસ્તાન સતત ભારત પર શાબ્દિક હુમલા કરી રહ્યું છે. પાકિસ્તાન પરમાણું હુમલાની ધમકી પણ આપી ચુક્યું છે. સાથોસાથ આ નિર્ણયને આંતરરાષ્ટ્રીય મુદ્દો બનાવવાનો પ્રયાસ કરી રહ્યું છે પરંતુ તેમાં સફળતા નથી મળી રહી. પાકિસ્તાન આર્ટિકલ 370 હટાવવાથી એટલું અકળાઈ ગયું છે કે વડાપ્રધાન ઈમરાન ખાનએ પરમાણુ યુદ્ધની ધમકી સુધી આપી દીધી હતી.

રક્ષા મંત્રી રાજનાથ સિંહે 8 ઑક્ટોબરને ફ્રાન્સમાં પહેલા રાફેલ ફાઇટર પ્લેન મેળવ્યું. દશેરા હોવાના કારણે તેઓએ શસ્ત્ર પૂજા પણ કરી. આ દરમિયાન તેઓએ ફાઇટર પ્લેન પર ઓમ લખ્યું, ફુલ ચઢાવ્યા, નાળિયર મૂક્યું અને ખરાબ નજરથી બચવા માટે પૈડાઓની નીચે લીંબુ પણ રાખ્યા. ત્યારબાદ સોશિયલ મીડિયા પર લોકોએ શસ્ત્ર પૂજનને લઈ આકરી પ્રતિક્રિયા આપવાનું શરૂ કરી દીધું. કેટલાક લોકોએ તેને તમાશો કરાર કરી દીધો. કૉંગ્રેસના નેતા ઉદિત રાજે રાફેલ પૂજન અંગે કહ્યુ કે, જે દિવસે દેશમાં અંધવિશ્વાસ ખતમ થઈ જશે આપણે આપનું ફાઇટર પ્લેન બનાવી દઈશું.