મુંબઈઃ પોતાની આગામી હિન્દી ફિલ્મ ‘પંગા’નો પ્રચાર કરવા માટે યોજાયેલા એક કાર્યક્રમમાં કંગનાએ કહ્યું કે, ‘હું ‘પંગા ક્વીન’ છું અને ટીમ ઈન્ડિયાનો ‘પંગા કિંગ’ ચોક્કસપણે વિરાટ કોહલી છે. એ નીડર છે અને એની સામે જે કોઈ પણ પડકાર આવે છે એને તે ઝીલી લે છે. આ વખતે અમે બેઉ એક જ દિવસે સાથે પંગો લેવાના છીએ. હું થિયેટરમાં લઈશ (‘પંગા’ ફિલ્મની રિલીઝ તારીખ શુક્રવાર 24 જાન્યુઆરી છે) અને વિરાટ એ જ દિવસે ન્યૂઝીલેન્ડ સામે પહેલી ટ્વેન્ટી-20 ઈન્ટરનેશનલ મેચ રમવાનો છે, એ ટીમની ધરતી પર. મજા આવી જશે.’

અશ્વિની ઐયર તિવારી દ્વારા દિગ્દર્શિત ‘પંગા’ ફિલ્મમાં નીના ગુપ્તા, રિચા ચઢ્ઢા અને જસ્સી ગિલ પણ મહત્ત્વની ભૂમિકામાં છે. આ ફિલ્મ એક મહિલા કબડ્ડી ખેલાડી પર આધારિત છે, જે લગ્ન કર્યાં બાદ અને માતૃત્ત્વ ધારણ કર્યાં બાદ કબડ્ડીની રમતમાં કમબેક કરવા માગે છે. એ ખેલાડીનો રોલ કંગનાએ કર્યો છે.

કંગના રનૌતે જણાવ્યું હતું કે તેની બહેન રંગોલી ચંડેલ પર થયેલા ઍસિડ-અટૅક માટે સારામાં સારા સર્જન પાસે ટ્રીટમેન્ટ કરાવી શકાય એ માટે તેણે અયોગ્ય અને પસંદ ના હોય એવા રોલ ભજવ્યા હતાં. કંગના પોતાનાં બિન્દાસ ઍટિટ્યુડને કારણે પણ ખાસ્સી જાણીતી છે.

પોતાની સ્ટ્રગલનાં દિવસોને યાદ કરતાં કંગનાએ કહ્યું હતું કે ‘હું ખરાબ લોકોની સંગતમાં ફસાઈ ગઈ હતી. ખરુ કહું તો હું એકલી છું અને મારા પેરન્ટ્સ પર નિર્ભર નથી એ જાણીને કેટલાક લોકોએ મારો ગેરફાયદો લીધો હતો. આ કારણે મારે ખૂબ કડવા અનુભવો પણ થયા હતાં. જોકે એના કારણે આજે હું એકદમ સ્ટ્રૉન્ગ છું. હું નથી ચાહતી કે મારા બાળકો પણ આવા કપરા સમયમાંથી પસાર થાય. મારી ઇચ્છા છે કે હું તેમની પડખે રહું.’