નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાને 2007નો ટી20 અને 2011નો આઈસીસી વર્લ્ડકપ જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવનારા ભારતીય ક્રિકેટર યુવરાજ સિંહે આજે મુંબઈમાં પત્રકાર પરિષદ કરી ક્રિકેટના તમામ પ્લેટફોર્મ પરથી નિવૃતિની જાહેરાત કરી હતી.


વિશ્વકપ 2019માં શ્રેષ્ઠ પ્રદર્શન કરી રહેલી ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ યુવરાજ સિંહને શભેચ્છા આપતા લખ્યું, દેશ માટે રમતા શાનદાર કરિયર માટે શુભેચ્છા પાજી. તમે અમને ઘણી સારી યાદો અને જીત આપી છે અને હું તમને આગળના જીવન માટે શુભેચ્છા આપું છું. કોહલીએ પોતાના સંદેશના અંતમાં લખ્યું વિશુદ્ધ ચેમ્પિયન.

વર્ષ 2000માં કેન્યા સામે પદાર્પણ કરનાર યુવરાજ ઓસ્ટ્રેલિયા સામે ફટકારેલી શાનદાર અડધી સદીના કારણે ચર્ચામાં આવ્યો હતો. 2007માં ટી20 વિશ્વ કપમાં સ્ટુઅર્ટ બોર્ડની એક જ ઓવરમાં 6 સિક્સર ફટકારી હતી. યુવરાજ પોતાનો કમાલ 2011ના વિશ્વ કપમાં દેખાડ્યો હતો જેમાં તેણે 90.50 રનરેટથી 362 રન બનાવી 15 વિકેટ મેળવી હતી.

યુવરાજે 304 વન ડે રમીને 8710 રન બનાવ્યા હતા. તેમણે 14 સદી ફટકારી હતી. વન ડે ક્રિકેટમાં યુવરાજના નામની 111 વિકેટ પણ નોંધાયેલી છે. કરિયરની અંતિમ વન ડે તે 30 જૂન, 2017ના રોજ વેસ્ટ ઈન્ડિઝ સામે રમ્યો હતો.