નવી દિલ્હીઃ રમતની દુનિયામાં ક્યારે ક્યા ખેલાડીનું નસીબ ચમકી જાય અને ક્યારે ગુમનામ બની જાય તે કોઈને ખબર નથી હોતી. અચાનક જ કોઈ પોતાના પ્રદર્શનથી વિશ્વભરમાં છવાઈ જાય અને તક મળ્યા બાદ અપેક્ષા પર ખરા ન ઉતરતા જ ચમક ખોઈ બેસે છે. ભારતીય ટીમના નવા ફાસ્ટ બોલર નવદીવ સૈનીની સાથે પણ આવું જ થયું છે. યુવા ફાસ્ટ બોલર નવદીપ સૈનીના વખાણ વિરાટ કોહલી પણ કરી ચૂક્યા છે. જોકે નવદીપ સૈનીને બાંગ્લાદેશની સામે ટી-20 સીરિઝમાંથી બહાર કાઢી નાખવામાં આવ્યો છે.

બાંગ્લાદેશ સામે ટી-20 સીરિઝમાં ટીમ ઈન્ડિયાના ટોપ બેટ્સમેન રોહિત શર્માને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ભારતના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન ગૌતમ ગંભીર અને વિરાટ કોહલીના માનીતા નવદીપ સૈનીને રોહિત કેપ્ટન બનતાં જ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. પોતાના કારકિર્દીની પ્રથમ ટી-20 મેચમાં સારું પ્રદર્શન કર્યા બાદ કેપ્ટન કોહલીએ સૈનીનાં ભરપેટ વખાણ કર્યા હતા.

સૈનીએ પોતાની પહેલી મેચમાં જે રીતે 3 વિકેટ ઝડપી હતી, તે જોતાં તેને ભવિષ્યનો સ્ટાર બોલર માનવામાં આવતો હતો. તેણે ખાસ કરીને પોતાની બોલિંગની સ્પીડથી લોકોને પ્રભાવિત કર્યા હતા. પણ તેને બે સીરિઝ બાદ ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.