નવી દિલ્હીઃ દુનિયાના સર્વશ્રેષ્ઠ બેટ્સમેનોમાં સામેલ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 11 વર્ષ પુરા થવાને ભગવાનની મહેરબાની ગણાવી હતી. 2008માં શ્રીલંકા વિરુદ્ધ દાંબુલામાં પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરનારા કોહલીએ  મેચમાં 12 રન બનાવ્યા હતા. કોહલીએ કહ્યું કે, તેણે આનાથી વધુ આશા રાખી નહોતી.

કોહલીએ પોતાના ટ્વિટર હેન્ડલ પર બે તસવીરો શેર કરી હતી. સાથે લખ્યું કે, આ દિવસે 2008માં એક કિશોરના રૂપમાં શરૂઆતથી લઇને 11 વર્ષની યાત્રા પુરી કરવા સુધી મે સપનામાં પણ વિચાર્યું નહોતુ કે ભગવાન મારા પર આટલો મહેરબાન થશે. આપ તમામને તમારા સપનાઓ પુરા કરવામાં યોગ્ય રસ્તાઓ મળે. આગળ વધવાની શક્તિ મળે.

વિરાટ કોહલીએ જે તસવીર શેર કરી છે તે શ્રીલંકા સામેની મેચની છે જ્યારે બીજી એન્ટીગામાં તેના હોટલના રૂમની છે. ભારત હાલમાં વેસ્ટ ઇન્ડિઝ પ્રવાસ પર છે. 22 ઓગસ્ટથી ભારતની પ્રથમ ટેસ્ટ મેચ શરૂ થશે. કોહલીએ શ્રીલંકા સામેની ઇન્ટરનેશનલ વન-ડેમાં એક ચોગ્ગાની મદદથી 12 રન બનાવ્યા હતા.

કોહલીએ અત્યાર સુધીમાં 77 ટેસ્ટ મેચમાં 6613 રન બનાવ્યા છે જેમાં 25 સદીનો સમાવેશ થાય છે. તે સિવાય કોહલીએ 239 વન-ડેમાં 43 સદીની મદદથી 11520 રન બનાવ્યા છે. કોહલી એક દાયકામાં 20 હજાર રન કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન છે.