નવી દિલ્હીઃ મેદાન પર પોતાના પ્રદર્શનને લઇને ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ચર્ચામાં રહે છે પરંતુ પ્રથમવાર કોહલી એક પુસ્તકને લઇને ચર્ચામાં આવી ગયો છે. વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ એન્ટીગા ટેસ્ટ મેચ દરમિયાન કોહલી ડ્રેસિંગ રૂમમાં Detox Your Ego નામની પુસ્તક વાંચતો જોવા મળી રહ્યો છે જેને લઇને તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ ગયો છે.

વેસ્ટ ઇન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં ટીમ ઇન્ડિયાની બેટિંગ દરમિયાન કેમેરાની નજર ભારતીય ડ્રેસિંગ રૂમની બાલ્કની પર પડી હતી જ્યાં ભારતીય કેપ્ટન વાંચતા જોવા મળી રહ્યા છે જેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. જેને લઇને ફેન્સ પોતાની રીતે પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક યુઝરે લખ્યું કે, તે વિચારી રહ્યા છે કે આખરે કોણે વિરાટ કોહલીને આ પુસ્તક વાંચવાની સલાહ આપી છે. નોંધનીય છે કે પ્રથમ ટેસ્ટ મેચમાં પ્રથમ ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 297 રનમાં ઓલઆઉટ થઇ ગઇ છે. જવાબમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ પ્રથમ દિવસના અંત સુધીમાં આઠ વિકેટના નુકસાન પર 189 રન બનાવી લીધા છે.