નવી દિલ્હી: ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અરુણ જેટલીનું 66 વર્ષની વયે નિધન થયું છે. જેટલી છેલ્લા લાંબા સમયથી બીમાર હતા. તેઓને 9 ઓગસ્ટથી એઇમ્સમાં દાખલ કર્યા હતા.


અરૂણ જેટલી બાજપેયી સરકારથી લઈને મોદી સરકાર સુધી વિશ્વાસપાત્ર નેતા તરીકે રહ્યાં છે. બન્નેના નેતૃત્વવાળી સરકારમાં તેઓને મોટી અને મહત્વપૂર્ણ જવાબદારી સંભાળી હતી. તેમના કદ અને પાર્ટીમાં વિશ્વસનિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય કે 2014માં જેટલી અમૃતસરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા, છતાં પણ તેમને પીએમ મોદીએ પોતાના મંત્રીમંડળમાં સામેલ કર્યા હતા. મોદી સરકારના પ્રથમ કાર્યકાળમાં અરૂણ જેટલીએ નોટબંધી, જીએસટી જેવા મોટા નિર્ણયો લીધા હતા.

અરૂણ જેટલીનો જન્મ 28 ડિસેમ્બરે 1952ના રોજ નવી દિલ્હીમાં થયો હતો. જેટલીના પિતા કિશન જેટલી વ્યવસાયે વકીલ હતા. જેટલીએ 1973માં શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સમાંથી સ્નાતક કર્યું અને 1977માં કાયદાની ડિગ્રી મેળવી હતી. જેટલીએ સંગીતા જેટલી સાથે 1982માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે રોહન અને સોનાલી.

નોટબંધી, GST સહિત આ યોજનાની જ્યારે થશે વાત, લોકો અરૂણ જેટલીને કરશે યાદ, જાણો વિગતે

જેટલીના રાજકીય કેરિયરની વાત કરીએ તો, અરૂણ જેટલીએ વિદ્યાર્થીકાળથી જ પોતાના રાજકીય કેરિયરની શરૂઆત કરી દીધી હતી. 1974માં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(એબીવીપી) દિલ્હી વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી સંગઠનના અધ્યક્ષ બન્યા હતા. ત્યાર બાદ 1991થી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય બન્યા હતા. તેમને પાર્ટીમાં મોટી પહેલી મોટી જવાબદારી 1999ની સામાન્ય ચૂંટણી પહેલા મળી હતી. તે સમયે તેમને ભાજપના પ્રવક્તા બનાવાયા હતા.



જ્યારે 1999માં અટલ બિહારી વાજપેયીના નેતૃત્વમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધનની સરકાર બની ત્યારે જેટલીને સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો) સોંપ્યો હતો. ત્યાર બાદ લર્ષ 2000માં વધુ એક જવાબદારી સોંપતા જેટલીને કાયદા, ન્યાય અને કંપની મામલાના કેન્દ્રીય કેબિનેટ મંત્રી બનાવાયા હતા.

તેના બાદ જેટલીને 29 જાન્યુઆરી 2003માં ફરી કેન્દ્રીય મંત્રીમંડળમાં વાણિજ્ય અને ઉદ્યોગ અને કાયદા અને ન્યાયમંત્રી તરીકે નિમણૂંક કરાઈ હતી.

અરૂણ જેટલી પહેલી રાજ્યસભાની ચૂંટણી ગુજરાતમાંથી લડ્યા અને રાજ્યસભાના સાંસદ બન્યા હતા. ત્યાર બાદ તેઓએ 2006થી 2012 અને 2012થી 2018 સુધી રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું.

વર્ષ 2009માં જેટલી રાજ્યસભામાં વિપક્ષ નેતા તરીકે ચૂંટાયા હતા. 2014માં ભાજપ સરકાર સત્તામાં આવતા તેમને નાણા મંત્રાલયની મહત્વની જવાબદારી સોંપાઈ હતી. જો કે તે સમયે જેટલી અમૃતસરથી લોકસભા ચૂંટણી હારી ગયા હતા. વર્ષ 2018માં ફરી ઉત્તરપ્રદેશથી રાજ્યસભા માટે ચૂંટાયા હતા.