નવી દિલ્હીઃ વિરાટ સેનાએ એકવાર ફરી વેસ્ટઈન્ડીઝમાં જીતનો પરચમ લહેરાવ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમે યજમાન વેસ્ટઈન્ડીઝને જમૈકા ટેસ્ટમાં 257 રનથી હરાવીને બે ટેસ્ટ મેચોની સિરીઝ 2-0થી જીતી લીધી છે. ટીમ ઇન્ડિયાએ પહેલી મેચ 318 રનના વિશાળ અંતરથી જીતી હતી.


આ જીત સાથે વિરાટ કોહલીના નામે એક મોટો રેકોર્ડ પણ થયો છે. વિંડીઝ ટીમને હરાવી વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ આ ભારતની 28મી જીત છે. આ સાથે હવે વિરાટ કોહલી ભારતનો સૌથી સફળ ટેસ્ટ કેપ્ટન બની ગયો છે. વિરાટ કોહલીએ જમૈકા ટેસ્ટ મેચ જીતીને મહેન્દ્ર સિંહ ધોનીના 27 ટેસ્ટના રેકોર્ડને તોડ્યો છે.

ભારત તેની સાથે જ એક સમયે વિશ્વ ક્રિકેટમાં શીખર પર રહેલી વિન્ડીઝની વિરુદ્ધ સતત આઠમી ટેસ્ટ સીરીઝ જીતવામાં સફળ રહી. ભારતના 468 રનના ટાર્ગેટનો પીછો કરતાં વિન્ડીઝની ટીમ રવિન્દ્ર જાડેજા (58 રન પર 3 વિકેટ), મોહમ્મદ શમી (65 રન પર 3 વિકેટ), ઈશાંત શર્મા (37 રન પર 2 વિકેટ) અને જસપ્રીત બુમરાહ (31 રન પર 1 વિકેટ)ની ધારદાર બોલિંગની સામે 59.5 ઓવરમાં 210 રને સમેટાઈ ગઈ.



વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમારા બ્રૂક્સે એક જીવતદાનનો ફાયદો ઉઠાવતા સૌથી વધુ 50 રન કર્યા જ્યારે જર્મેન બ્લેકવુડ ત્રણ જીવતદાન છતાંય 38 રન જ કરી શક્યો. બંનેએ પાંચમી વિકેટ માટે 61 રનનની પાર્ટનશશીપ કરી. કેપ્ટન જેસન હોલ્ડરે પણ 39 રન કર્યા.

ટેસ્ટ સિરીઝમાં ‘પ્લેયર ઓફ ધ મેચ’નો એવોર્ડ હનુમા વિહારીને આપવામાં આવ્યો છે. જેને પહેલી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી 111 રન અને બીજી ઇનિંગમાં પણ અડધી સદી ફટકારી 53 રન બનાવ્યા હતા.

આ જીતથી ભારતને વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપ પોઇન્ટ ટેબલમાં 60 પોઇન્ટ મળ્યા અને ટીમે બે મેચોમાં 120 પોઇન્ટની સાથે શીખર પર પોતાની સ્થિતિ મજબૂત કરી લીધી છે. ન્યૂઝીલેન્ડ અને શ્રીલંકા બે-બે મેચોમાં સરખા 60-60 પોઇન્ટ સાથે ક્રમશ: બીજા અને ત્રીજા સ્થાને છે.