નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં રવિવારે ટીમ ઇન્ડિયા પોતાના કટ્ટર હરિફ પાકિસ્તાન સામે  ટકરાશે પરંતુ  ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ આ મેચને લઇને કોઇ પણ પ્રકારનું  ટીમ પર દબાણ હોવાનો ઇનકાર કર્યો હતો. વિરાટ કોહલીએ કહ્યું કે, હરિફ ટીમ બદલાતા કોઇ એક મેચનું મહત્વ ઓછું કે વધારે થઇ જતું નથી. ડ્રેસિંગ રૂમના માહોલમા પણ કોઇ ફેરફાર આવ્યો નથી.

કોહલીએ  હવામાન અને અન્ય પરિસ્થિતિઓ અનુસાર પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવાના સંકેત આપ્યા હતા. કોહલીએ કહ્યું કે, પાકિસ્તાન વિરુદ્ધ પરિણામ  ભારતની તરફેણમાં નહી રહે તો પણ  ટુનામેન્ટ ચાલુ રહેશે. કોહલીએ  કહ્યું કે, બંન્ને દેશના ખેલાડીઓ વચ્ચે સારા સંબંધો છે. કોહલીએ કેટલાક પાકિસ્તાની ખેલાડીઓની પ્રશંસા કરી હતી. કોહલીએ કહ્યું કે હું મોટો ફેરફાર જોઇ રહ્યો નથી વિપક્ષી ટીમ વિરુદ્ધ તમે સારુ પ્રદર્શન રાખો તો મેચ  જીતી  શકો છો.

ડ્રેસિંગ રૂમના માહોલ પર કોહલીએ કહ્યું કે, ડ્રેસિંગ રૂમનો મૂડ અને માહોલ બદલાયો નથી. હરિફ ટીમ બદલાવવાથી કોઇ ફેર પડતો નથી. કોહલીએ માન્યું કે, એક ફેન માટે ભારત અને પાકિસ્તાનનો  મુકાબલો અલગ હોય છે. કોહલીએ  કહ્યું કે, તે પોતાનું ધ્યાન ઝડપી બોલર મોહમ્મદ આમિર સાથે થનારા વ્યક્તિગત  પ્રતિસ્પર્ધા પર કેન્દ્રિત નથી કરી રહ્યો.