નવી દિલ્હીઃ ક્રિકેટ વર્લ્ડકપ સેમી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ભારતીય ક્રિકેટ ટીમમાં મતભેદ ખુલીને સામે આવ્યા છે. આ મતભેદ હવે સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયા છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને વનડે ટી20 ટીમના વાઈસ કેપ્ટન રોહિત શર્માની વચ્ચે મતભેદ ત્યારે સામે આવ્યા જ્યારે રોહિતે સોશિયલ મીડિયા સાઈટ ઇન્સ્ટાગ્રામ પર વિરાટની પત્ની અને બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માને અનફોલો કરી દીધી.


જોકે રોહિત શર્માના અનફોલો કર્યા બાદ અનુષ્કાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટેટસ મુક્યું છે, જેને રોહિત શર્માને આપવામાં આવેલ જવાબની રીતે જોવામાં આવી રહ્યો છે. અનુષ્કાએ પોતના ઇન્સ્ટા સ્ટેટમાં લખ્યું કે, માત્ર સત્ય જ છે જે અસત્યના દેખાડામાં નથી પડતું. વર્લ્ડકપથી જ વિરાટ કોહલી અને રોહિત શર્માની વચ્ચે મતભેદ સામે આવાવના શરૂ થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા અને વિરાટ કોહલીના બે જૂથમાં વહેંચાઈ ગઈ છે.



ગલ્ફ ન્યૂઝે પોતાના એક રિપોર્ટમાં દાવો કર્યો છે કે ટીમ ઈન્ડિયા ક્રિકેટ વર્લ્ડ કપમાં બે જૂથમાં વહેંચાઇને રમી. પહેલું ગ્રુપ વિરાટ કોહલીનું હતું તો બીજું રોહિત શર્માનું. રોહિત શર્માના જૂથના ખેલાડીઓને વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીના નિર્ણય પસંદ નહોતા. અનેક પ્રસંગે રોહિતે કોહલીના નિર્ણયો પર નારાજગી વ્યક્ત કરી. તેના કારણે બંને વચ્ચે અણબનાવ વધતો ગયો.

જોકે, શુક્રવારે બીસીસીઆઈના ક્રિકેટ પ્રશાસકોની સમિતિના પ્રમુખ વિનોદ રાયે કોહલી-શર્માની વચ્ચે ઝઘડાના અહેવાલોનું ખંડન કર્યુ. તેઓએ આ પ્રકારના અહેવાલો માટે મીડિયાને જવાબદાર ઠેરવ્યું અને કહ્યું કે મીડિયાએ આવો માહોલ બનાવ્યો છે.