નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રૉલ બોર્ડે 30 મેએ ઇંગ્લેન્ડમાં રમાનારા આઇસીસી વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દીધી છે. એમ એસ કે પ્રસાદની અધ્યક્ષતા વાળી કમિટીએ 15 સભ્યોની ટીમની પસંદગી કરી છે. જોકે, ખેલાડીઓની પસંદગીને લઇને કેટલાક લોકો ખુશ થયા છે તો કેટલાક નિરાશ થયા છે. ટીમમાં રિષભ પંતનું પત્તુ કાપીને દિનેશ કાર્તિકને ટીમમાં સમાવાતા ભારતીય ટીમના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન વિરેન્દ્ર સેહવાગે નિરાશા વ્યક્ત કરી છે.



સેહવાગે કહ્યું કે, બીજા વિકેટકીપર તરીકે દિનેશ કાર્તિકની જગ્યાએ રિષભ પંતને જગ્યા મળવી જોઇતી હતી, કેમકે તે યંગ છે. સેહવાગનું માનવું છે કે રિષભ પંત વધારે સમય સુધી ક્રિકેટ રમશે અને દિનેશ કાર્તિક થોડાક વર્ષો બાદ રિટાયર્ડ થઇ જશે. આવામાં રિષભ પંત વર્લ્ડકપ ટીમનો ભાગ બનીને કેટલુય શીખી શકતો હતો.



સેહવાગે એ પણ તર્ક આપ્યુ કે દિનેશ કાર્તિકના રમવાની સંભાવના ખુબ ઓછી છે. કાર્તિક ત્યારે ટીમમાં રમી શકે છે જ્યારે ધોની પ્લેઇંગ ઇલેવનની બહાર હોય. આવું ઇજાગ્રસ્ત થવાની સ્થિતિમાં જ બની શકે છે.

વર્લ્ડકપ 2019 માટે ટીમ ઇન્ડિયા...
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, મહેન્દ્રસિંહ ધોની (વિકેટકીપર), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી.