હેમિલ્ટનઃ ભારતે ન્યૂઝિલેન્ડ વિરુદ્ધની પાંચ ટી-20 સીરિઝની ત્રીજી ટી-20માં સુપર ઓવરથી મેચ જીતી લીધી છે. આ જીત સાથે ન્યૂઝિલેન્ડમાં ટીમ ઇન્ડિયાએ પ્રથમ ટી-20 સીરિઝ જીતી હતી. ટીમ ઇન્ડિયાએ પાંચ ટી-20 મેચની સીરિઝમાં 3-0ની અજેય સરસાઇ મેળવી લીધી હતી. 20મીં ઓવરમાં બોલિંગ કરવા આવેલા મોહમ્મદ શમીએ મેચનું પાસુ પલટાલી દીધું હતું.


સુપર ઓવરમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝિલેન્ડની ટીમે 17 રન બનાવ્યા હતા. જેના જવાબમાં રોહિત શર્મા અને લોકેશ રાહુલની જોડ઼ીએ 20 રન બનાવી ટીમને જીત અપાવી હતી. રોહિતે અંતિમ બે બોલમાં બે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. મેચ બાદ પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સેહવાગે રોહિત શર્મા અને શમી માટે ટ્વિટ કર્યું હતું, જે લોકોનું દિલ જીતી રહ્યું છે.

સેહવાગે ટ્વીટમાં લખ્યું કે, ‘ઐસા લગતા હૈ અપુનિચ ભગવાન હૈ ! આ લાઈન રોહિત શર્મા માટે લાગે છે, જે રીતે તે અસંભવને સંભવ કરી દે છે, પરંતુ શમીના ચાર બોલ પર બે રન ડિફેન્ડ કરવું અવિશ્વનીય હતું. આ યાદગાર જીત છે .’


અગાઉ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 179 રન બનાવ્યા હતા જેના જવાબમાં ન્યૂઝિલેન્ડની ટીમ 180 રનનો ટાર્ગેટ પાર કરી શકી નહોતી અને 20 ઓવરમાં 6 વિકેટના નુકસાન પર 179 રન જ બનાવી શકી હતી. ન્યૂઝિલેન્ડ તરફથી કેપ્ટન કેન વિલિયમ્સને 95 રનની ઇનિંગ રમી હતી. ન્યૂઝિલેન્ડને અંતિમ ઓવરમાં જીત માટે નવ રન જોઇતા હતા પરંતુ મોહમ્મદ શમ્મીએ ફક્ત આઠ રન આપ્યા હતા. અંતિમ બોલ પર રોસ ટેલરને આઉટ કરી શમ્મીએ ટાઇ મેચ કરી હતી. આ અગાઉ માર્ટિન ગુપ્ટિલ 31, મુનરો 14, મિશેલ સેન્ટનર 9 રન બનાવી આઉટ થયા હતા.