નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયાના આક્રમક બેટ્સમેન ડેવિડ વોર્નરે  કહ્યું કે, તે ટેસ્ટ અને વનડે કારકિર્દીને આગળ વધારવા અને પોતાના પરિવારની સાથે વધારે સમય વિતાવવા માટે આગામી કેટલાક વર્ષમાં ટી20 ક્રિકેટને અલવિદા કહી શકે છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિેટરનો એલન બોર્ડર એવોર્ડ જીતનાર વોર્નર પુરસ્કાર મેળવ્યા બાદ ભાવુક થઈ ગયા હતા. 2018માં બોલ સાથે છેડછાડ કરવાના કારણે એક વર્ષનો પ્રતિબંધનો સામનો કર્યો બાદ શાનદાર વાપસી કરતા વોર્નરે આ પુરસ્કાર જીત્યો છે.




ડેવિડ વોર્નરને વર્ષનો સર્વશ્રેષ્ઠ ટી20 ક્રિકેટર પણ પસંદ કરવામાં આવ્યો. વોર્નરે એએપીને કહ્યું કે, ‘ટી20 ક્રિકેટમાં સતત વર્લ્ડ કપ રમવાના છે. આ ફોર્મેટમાં આગામી થોડા વર્ષમાં હું અલવિદા કહી શકું છું. ત્રણેય ફોર્ટમેટમાં રમવું મુશ્કેલ છે. એ બધાને શુભેચ્છા જે આવું કરી શકે છે. આ પડકારજનક છે.’



વોર્નરે જણાવ્યું હતું કે મેં ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગ સાથે વાતચીત કરી હતી. લાંબા સમયથી ક્રિકેટ રમી રહેલા સાઉથ આફ્રિકન ક્રિકેટર એબી ડીવિલિયર્સ સાથે પણ મેં આ બાબતે ચર્ચા કરી હતી. મારા પરિવારમાં ત્રણ નાના બાળકો તથા પત્ની છે અને હવે સતત પ્રવાસ ખેડવાનું મુશ્કેલ બનતું જાય છે. નોંધનીય છે કે ટેસ્ટ અને વન-ડેમાં વોર્નરની સરેરાશ ૪૦ કરતાં વધારે છે. ટી૨૦માં તેનો સ્ટ્રાઇક રેટ ૧૪૦નો છે. આગામી બે ટી૨૦ વર્લ્ડ કપ ઓસ્ટ્રેલિયા (૨૦૨૦) તથા ભારત (૨૦૨૧)માં રમાવાના છે. ૨૦૧૮માં બોલ ટેમ્પરિંગના મામલે વોર્નરને એક વર્ષના પ્રતિબંધનો સામનો કરવો પડયો હતો.