નવી દિલ્હીઃ એબી ડિવિલિયર્સ અને માર્ક્સ સ્ટોયનિસની વચ્ચે થયેલ 121 રનની ભાગીદારીની મદદથી રોયલ ચેલેન્જર્સ બેંગલોરે કિંગ્સ ઇલેવન પંજાબને 12 રને હરાવ્યું હતું. બેંગલોરે પ્રથમ બેટિંગ કરતાં 4 વિકેટ પર 202 રન બનાવ્યા હતા. તેની સાથે પંજાબ 20 ઓવરમાં 185 રન જ બનાવી શકી. બેંગલોરની 11 મેચમાં આ ચોથી જીત હતી અને તે 8 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં સાતમાં નંબર પર આવી ગઈ છે. બેંગલોરને હજુ પણ પ્લેઓફમાં પહોંચવાની આશા છે.

પરંતુ આ શાનદાર મેચના અંતિમ તબક્કામાં બન્ને ટીમના કેપ્ટન વચ્ચે કંઈક એવું થયું કે લોકો જોતા જ રહ્યા. ઇનિંગની અંતિમ ઓવરમાં પંજાબની ટીમને જીત માટે 27 રનની જરૂર હતી. અશ્વિન સ્ટ્રાઈક પર હતા અને ઉમેશ યાદવ બોલર હતા. ઉમેશના પ્રથમ બોલ પર છ રન લીધા.

હવે પંજાબને જીત માટે 5 બોલરમાં 21 રનની જરૂર હતી. અશ્વિન ફરી મોટો શોટ રમવાનો પ્રયત્ન કર્યો પરંતુ બાઉન્ડ્રી પર વિરાટ કોહલીએ અશ્વિનનો શાનદાર કેચ પકડ્યો અને તે આઉટ થઈ ગયા. અશ્વિનનો આ કેચ પકડ્યા બાદ વિરાટ કોહલી ખૂબ જ ગુસ્સામાં આ વિકેટની ઉજવણી કરી અને વીડિયોમાં જોવા મળે છે કે, તેણે અશ્વિનને અપશબ્દ પણ કહ્યા.

ત્યાર બાદ ટીમને જીત ન અપાવવનો અફસોસ અને વિરાટ કોહલીનું રિએક્શન જોઈને અશ્વિનને પણ ગુસ્સો આવ્યો. અશ્વિને ડગ આઉટ પરત ફરતા સમયે ગુસ્સામાં પોતાના ગ્લવ્સ જમીન પર ફેંક્યા હતા. બાદમાં જ્યારે અશ્વિનને વિરાટ અને તેને લઈને સવાલ કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે, અને બન્ને પોતાની રમતને લઈને ઝનૂની છીએ, એમાં આવું બધું ચાલ્યા કરે.