નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ઘણીબધી ઘટનાઓ એવી બને છે જેને જોઇને બધા ચોંકી જતા હોય છે. હવે આ લિસ્ટમાં વધુ એક સુપર કેચનો સમાવેશ થયો છે. ક્રિકેટમાં ખાસ કરીને ઉડતા કે બાઉન્ડ્રી પરના કેચ વધુ ચર્ચાનો વિષય બને છે. હાલમાં ચાલી રહેલી વૂમન બિગ બેશ લીગમાં મહિલા ક્રિકેટર દ્વારા ઝડપવામાં આવેલો આવો એક બાઉન્ડ્રી પરનો કેચ ખુબ ચર્ચાનો વિષય બન્યો છે. શનિવારે વૂમન બિગ બેશ લીગમાં એડિલેડ સ્ટ્રાઇકર અને સિડની થન્ડર વચ્ચે મેચ રમાઇ, આ મેચમાં બ્રિજેટ પેટરસને બાઉન્ડ્રી પર શાનદાર કેચ પકડ્યો હતો. જેનો વીડિયો ખુબ વાયરલ થઇ રહ્યો છે.
હાલમાં જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે, તેમાં સ્પષ્ટ રીતે જોઇ શકાય છે કે બ્રિજેટ પેટરસને શાનદાર કેચ પકડ્યો છે. સિડની થન્ડરની મહિલા બેટ્સમેન ઇસાબેલા વૉન્ગે જ્યારે સિક્સર મારવા માટે ફટકો માર્યો ત્યારે એડિલેડ સ્ટ્રાઇકરની મહિલા ક્રિકેટર બ્રિજેટ પેટરસને તેનો બાઉન્ડ્રી પર શાનદાર કેચ ઝડપી લીધો હતો. કેચ દરમિયાન બ્રિજેટ પેટરસન બાઉન્ડ્રી રૉપની બહાર નીકળી જાય છે, અને બૉલને ગ્રાઉન્ડની અંદર ઉછાળીને તે ફરીથી પાછી ગ્રાઉન્ડમા આવીને કેચ લપકી લે છે. આ સાથે જ ઇસાબેલ વૉન્ગને આઉટ થઇને પેવેલિયન જવુ પડે છે.
ઉલ્લેખનીય છે કે, વૂમન બિગ બેશ લીગમાં સિડની થન્ડરે વૂમને ટૉસ જીતીને એડિલેડ સ્ટ્રાઇકરને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ, એડિલેડ સ્ટ્રાઇકરે 20 ઓવરમાં 7 વિકેટો ગુમાવીને 140 રન કર્યા હતા.લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિડની થન્ડર 19.2 ઓવર રમીને 110 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. મેચમાં એડિલેડ સ્ટ્રાઇકર વૂમનનો 30 રને વિજય થયો હતો.