નવી દિલ્હીઃ એક ટેસ્ટ મેચની બન્ને ઇનિંગમાં સેન્ચુરી ફટકારીને આફ્રિકા વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં મેન ઓફ ધ મેચ બનેલ રોહિત શર્મએ ટીમને જીત અપાવવામાં મહત્ત્વનો ફાળો આપ્યો. પરંતુ રોહિત ઉપરાંત મોહમ્મદ શમીએ પણ પાંચ વિકેટ ઝડપીને ટીમની જીતમાં પોતાનું યોગદાન આપ્યું. રોહિતે મેચ બાદ પ્રેસ કોન્ફરન્સમાં શમીના વખાણ કરતાં તેના બિરયાની પ્રેમ વિશે પણ જણાવ્યું.

રોહિતે કહ્યું કે, અમે ઇચ્છતા હતાં કે શમી અને ઇશાંત ફ્રેશ રહે, જેથી સ્પિનર્સ પર વધુ દબાણ ન આવે. અમે નિર્ણય લીધો હતો કે અમે ફાસ્ટ બોલરો પાસે બે કે ત્રણ ઓવરોનો સ્પેલ કરાવીશું. આપણે સૌકોઇ જાણીએ છીએ કે જ્યારે શમી ફ્રેશ હોય છે તે તે શું કરી શકે છે, સાથે જ થોડી બિરિયાની મળે ત્યારે પણ.



શમીએ કારકિર્દીમાં ચોથી વખત ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે તેનો મહત્વનો રેકોર્ડ એ છે કે, તેણે કારકિર્દીમાં ત્રીજી વખત ટેસ્ટની બીજી ઈનિંગમાં પાંચ કે વધુ વિકેટ ઝડપી હતી. તેણે કારકિર્દીની ૧૫ બીજી ઈનિંગમાં ૪૦ વિકેટ ઝડપી છે. છેલ્લા બે વર્ષમાં તે આવી સિદ્ધિ મેળવનારો વિશ્વનો એકમાત્ર બોલર છે.

સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં કારકિર્દીની ૨૮મી ટેસ્ટમેચમાં પહેલી વખત ઓપનર તરીકે ઉતરેલા રોહિત શર્માએ પ્રથમ ઈનિંગમાં ૧૭૬ રન ફટકાર્યા હતા. તેણે બીજી ઈનિંગમાં ૧૨૭ રન ફટકારતાં નવો કીર્તિમાન સ્થાપિત કર્યો હતો. આ જ ટેસ્ટમાં ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપતાં ભારતન ૨૦૩ રનથી જીત અપાવી હતી. યોગાનુંયોગ એ છે કે, વર્ષ ૨૦૧૩માં વિન્ડિઝ સામે રોહિત શર્મા કારકિર્દીની સૌપ્રથમ ટેસ્ટ મેચ રમા ઉતર્યો ત્યારે તેણે પ્રથમ ઈનિંગમાં ૧૭૭ રન ફટકાર્યા હતા. તે ટેસ્ટમાં પણ મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં પાંચ વિકેટ ઝડપી હતી.