નવી દિલ્હીઃ હાલમાં જ એવા અહેવાલ આવ્યા હતા કે ભારતની સૌથી લોકપ્રીય લીગ આઈપીએલ પર આઈસીસી હસ્તક્ષેપ કરવા જઈ રહ્યું છે. પરંતુ આઈસીસીએ સામે આવીને આ અહેવાલને નકારી કાઢ્યા છે. આઈસીસીએ સોમવારે કહ્યું કે, તે આઈપીએલના સંચાલનમાં હસ્તક્ષેપ નહીં કરે અને તેની યોજના વિશ્વભરમાં લીગ માટે નિયમોનો ડ્રાફ્ટ તૈયાર કરવામાં આઈપીએલના માપદંડોનો ઉપોયગ કરવાની છે.


આઈસીસીના મુખ્ય કાર્યકારી ડેવિડ રિચર્ડસને નિવેદનમાં કહ્યું કે, ભારતીય મીડિયામાં અહેવાલ આવ્યા છે કે આઈસીસી આઈપીએલમાં હસ્તક્ષેપ અથવા તેનું સંચાલન કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે જે ખોટું છે. આવી કોઈ જ વાત નથી.



તેમણે કહ્યું, કાર્યકારી અધિકારીઓની સમિતિ (સીઈસી) અને આઈસીસી બોર્ડે વિતેલા દિવસોમાં સલાહ આપવામાં આવી હતી કે આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ સ્તર પર લાંબા સમય સુધી ટકી રહેવા અને ખ્યાતિ સુનિશ્ચિત કરવા માટે કાર્યકારી ગ્રુપની આગેવાનીમાં નિયમાવલી તૈયાર કરવામાં આવે. રિચર્ડસને આઈપીએલના સફળ આયોજનની પ્રશંસા કરતાં કહ્યું કે, આ માળખું અનુસરવા જેવું છે.