મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝના મહાન બેટ્સમેન બ્રાયન લારાને મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. લારાએ છાતીમાં દુઃખાવાની ફરિયાદ કર્યા બાદ મંગળવારે પરેલની ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલના અધિકારીઓ દ્વારા કોઇપણ પ્રકારની માહિતી આપવાની ના પાડવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે લારાને અચાનક છાતીમાં દુખાવો ઉપડ્યો હોવાના કારણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો ત્યાર બાદ લારાને એન્જિયોપ્લાટી કરવામાં આવી હતી. લારાને હોસ્પિટલમાં દાખલ કર્યા બાદની પ્રથમ તસવીરો સામે આવી છે.

બ્રાયન લારાને મંગળવારે અંદાજે 12.30 વાગે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો અને તરત જ તેની સારવાર શરૂ કરવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, લારા નજીકની એક હોટલના કાર્યક્રમમાં હાજર રહ્યો હતા જ્યાં તેમની અચાનક તબિયત બગડતા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.

નોંધનીય છે કે, બ્રાયન લારા હાલ મુંબઈથી કોમેન્ટેટર ટીમનો હિસ્સો છે. દિગ્ગજ લારાએ વેસ્ટઈન્ડિઝ તરફથી 131 ટેસ્ટમાં 11,953 રન બનાવ્યા હતા. તેમનો મહત્તમ સ્કોર 400 નોટ આઉટનો રહ્યો હતો. જે વર્લ્ડ રેકોર્ડ છે. લારાએ તેના ટેસ્ટ કેરિયરમાં 34 સદી બનાવી છે.