રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર લાગેલા જાતીય શોષણના ગંભીર આરોપો બાદ ખળભળાટ મચી ગયો છે. આ મામલે WFI એ રમતગમત મંત્રાલયને જવાબ આપ્યો છે અને તમામ આરોપોને એક મોટું ષડયંત્ર ગણાવ્યું છે. આ મામલે પહેલીવાર WFIએ ખુલ્લેઆમ પોતાનું સ્ટેન્ડ રજૂ કર્યું છે. રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાએ પ્રમુખ બ્રિજ ભૂષણ વિરુદ્ધ ગેરવર્તણૂક અને જાતીય સતામણીના આરોપોને નકારી કાઢ્યા છે. આ સાથે WFI એ કુસ્તીબાજો પર સવાલ ઉઠાવ્યા હતા અને ફેડરેશનના નેજા હેઠળ આયોજિત ટુર્નામેન્ટની માહિતી શેર કરી હતી.
WFI એ જાતીય સતામણીના આરોપો અંગે સરકારને જે માહિતી આપી છે, તેમાં તેણે કેટલીક દલીલો પણ આપી છે અને કહ્યું હતુ કે ફેડરેશનમાં એક જાતીય સતામણી સમિતિ સક્રિય છે. જો આવું થયું હોય તો તેની ક્યારેય ફરિયાદ કેમ નથી આવી. સાક્ષી મલિકનું નામ યૌન ઉત્પીડન સમિતિના સભ્યોમાંથી એક છે. તે વિરોધ પ્રદર્શનના મુખ્ય ચહેરાઓમાંનો એક છે. WFI એ એવો પણ દાવો કર્યો છે કે વિરોધનું નેતૃત્વ કરવામાં આવી રહ્યું છે અને ચોક્કસ રાજ્ય (હરિયાણા) ના કુસ્તીબાજો તેમાં જોડાઈ રહ્યા છે. વધુમાં વિરોધ નિહિત સ્વાર્થ દ્વારા પ્રેરિત છે, કારણ કે આ વર્ષના અંતમાં WFI ચૂંટણીઓ થવાની છે. WFIએ કહ્યું હતું કે જે રીતે વિરોધીઓ/કુસ્તીબાજોએ ધરણા અને પ્રેસ કોન્ફરન્સમાં બેસીને પોતાના આરોપો લગાવ્યા છે તે ચોક્કસપણે મોટા સ્વાર્થ અને ષડયંત્ર તરફ ઈશારો કરે છે. જાતીય સતામણીનો એક પણ આરોપ WFI ની જાતીય સતામણી સમિતિ સમક્ષ રજૂ કરાયો નથી. તેથી આ હેતુના આક્ષેપો દૂષિત અને પાયાવિહોણા છે.
બ્રિજભૂષણ સિંહ પર શું છે આરોપ?
વિનેશ ફોગાટ, સાક્ષી મલિક, અંશુ મલિક, બજરંગ પુનિયા અને રવિ દહિયા જેવા સ્ટાર કુસ્તીબાજોએ આરોપ લગાવ્યો છે કે, કુસ્તી મહાસંઘના પ્રમુખ બ્રિજ ભૂષણ સિંહે મહિલા ખેલાડીઓનું શોષણ કર્યું છે અને કુસ્તીબાજોને માનસિક ત્રાસ આપ્યો છે. આ મામલે ભારતીય ઓલિમ્પિક સંઘને એક પત્ર પણ લખવામાં આવ્યો છે, જેના પર કેટલાક કુસ્તીબાજોએ પોતાના હસ્તાક્ષર પણ કર્યા છે.